આઝાદી પહેલાં ભારતીય નૌસૈનિકોના બળવાની રવિવારે મુંબઇમાં ઉજવણી
વિપ્લવે અંગ્રેજ હકૂમતને હચમચાવી નાખી હતી
મુંબઇથી શરૃ થયેલા બળવામાં 20 હજારથી વધુ ભારતીય નૌસૈનિકો જોડાયા હતા
મુંબઇ : પરતંત્ર ભારતમાં રોયલ બ્રિટિશ નેવીમાં ફરજ બજાવતા ભારતીય નૌસૈનિકોએ ૧૮મી ફેબુ્રઆરી ૧૯૪૬માં પોકારેલા બળવાની સ્મૃતિ-જયંતી રવિવારે દક્ષિણ મુંબઇના કૂપરેજ ખાતે ઉજવવામાં આવશે. બળવાના સ્મારક ઉપર પુષ્પચક્ર અર્પણ કરવામાં આવશે.
મુંબઇમાં ભારતીય નૌસૈનિકોએ પોકારેલા બળવાની આગ જોતજોતામાં આખા દેશમાં ફેલાઇ ગઇ હતી. આ 'ઇન્ડિયન નેવલ અપરાઇઝીંગ'થી બ્રિટીશ હકૂમત હચમચી ગઇ હતી. રોયલ નેવીમાં ફરજ બજાવતા ભારતીય નૌસૈનિકોને હલકા દરજ્જાનું ભોજન અપાતું હતું અને બ્રિટિશ નૌસૈનિકો અને ભારતીય નૌસૈનિકો વચ્ચે ભેદભાવ રાખવામાં આવતો હતો. આના વિરોધમાં બળવો ફાટી નીકળ્યો હતો.
૧૮મી ફેબુ્રઆરી ૧૯૪૬ના રોજ યુદ્ધ- જહાજ એચએમઆઇએસ તલવાર પર બળવાની શરૃઆત થઇ ગઇ હતી. જોત જોતામાં મુંબઇથી ઠેઠ કરાંચી અને દક્ષિણના નૌકામથકોમાં બળવાની આગ ફેલાઇ હતી. ૨૦ હજારથી વધુ ભારતીય નૌસૈનિકોએ ૪૮ કલાકમાં ૭૮ યુદ્ધ જહાજો અને ૨૧ તટવર્તી નૌકામથકો પર કબજો જમાવી દીધો હતો. આ બળવાથી ધુ્રજી ગયેલી બ્રિટીશ હકૂમતે પારોઠના પગલાં ભરવા પડયા હતા. આ બળવાની વિગતોથી લોકોને માહિતગાર કરવા માટે રવિવારે નેવી નગરના મુલ્લા ઓડિટોરિયમમાં ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.