સીબીએસઈ બોર્ડનું ધો.10, 12નું ટાઈમટેબલ જાહેર
15મી ફેબ્રુઆરીથી લેખિત પરીક્ષા શરુ થશે
પરીક્ષાના 86 દિવસ પહેલાં જ ડેટશીટ જાહેર કરી સીબીએસઈએ સૌને આશ્ચર્યમાં મૂક્યા
મુંબઈ - સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ)એ ધો.૧૦, ૧૨ની બોર્ડની પરીક્ષાનું વિષયવાર ટાઈમટેબલ જાહેર કર્યું છે. તે મુજબ સીબીએસઈ બોર્ડની દસમા, બારમાની લેખિત પરીક્ષા ૧૫ ફેબુ્રઆરીથી શરુ થશે. જ્યારે પ્રેક્ટિકલ્સ પહેલી જાન્યુઆરીથી શરુ થશે.
સીબીએસઈએ જાહેર કરેલી ડેટશીટ મુજબ દસમાની પરીક્ષા ૧૮ માર્ચે પૂરી થશે અને બારમાની પરીક્ષા ચોથી એપ્રિલે પૂરી થશે. દસમા, બારમાના પેપર સવારે ૧૦.૩૦ વાગ્યે શરુ થશે અને બપોરે ૧.૩૦ વાગ્યે પૂરા થશે.
ગયા વર્ષે સીબીએસઈએ ૧૩ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ દસમા, બારમાનું ટાઈમટેબલ જાહેર કર્યું હતું. પરંતુ આ વર્ષે ૨૩ દિવસ પહેલાં અને પરીક્ષાના ૮૬ દિવસ પહેલાં ડેટશીટ જાહેર કરી છે. આ ડેટશીટ મુજબ, દસમા અને બારમાની પરીક્ષા ૧૫ ફેબુ્રઆરીએ એકજ દિવસે શરુ થશે. સીબીએસઈએ આ વખતે વહેલી ડેટશીટ જાહેર કરતાં બંને વર્ગના વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે વધુ સમય મળશે. તેમજ આ વખતે બે વિષયની પરીક્ષા વચ્ચે પૂરતો સમય પણ અપાયો છે.