Get The App

પરમબીર સિંહ સામે ખંડણીના કેસમાં સીબીઆઈનો ક્લોઝર રિપોર્ટ

Updated: Jan 30th, 2024


Google NewsGoogle News
પરમબીર સિંહ સામે ખંડણીના કેસમાં સીબીઆઈનો ક્લોઝર રિપોર્ટ 1 - image


વેપારી શરદ અગ્રવાલે 2 કરોડની ખંડણીનો આરોપ મુક્યો હતો

મુંબઈના માજી પોલીસ કમિશનરના કેસમાં જોકે, ક્લોઝર વિશે કોર્ટ  ફેબુ્રઆરીમાં નિર્ણય લેશેઃ કોઈ પુરાવા નહીં મળ્યાની સીબીઆઈની કબૂલાત 

મુંબઈ : સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ માજી મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહ  અને અન્યો સામેના ખંડણીના કેસમાં સબળ પુરાવાના અભાવે ક્લોઝર રિપોર્ટ ફાઈલ કર્યો છે. ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ, થાણે સમક્ષ એજન્સીએ ૧૮ જાન્યુઆરીએ આ રિપોર્ટ ફાઈલ કર્યો હતો. કોર્ટ આ અહેવાલ પર ફેબુ્રઆરીમાં વિચારણા કરશે.

અહેવાલમાં સીબીઆઈએ જણાવ્યું હતું કે હકીકત અને સંજોગો પરથી આરોપોને આધાર મળતો નથી. કોઈ પણ આરોપીઓ સામે કોઈ જાતની કાર્યવાહી કરવા માટેના સબળ પુરાવા મળ્યા નથી.

૨૦૧૬-૧૭માં બનેલી ઘટનાની ફરિયાદ ૨૦૨૧માં કરવામાં આવી છે. આટલા સમય બાદ સચ્ચાઈ શોધવામાં મદદરૃપ થઈ શકે એવા પુરાવા ઉપલબ્ધ થયા નથી, એમ રિપોર્ટમાં જણાવાયું છે.

થાણે જિલ્લામાં કોપરી પોલીસ સ્ટેશનમાં જુલાઈ ૨૦૨૧માં સ્થાનિક વેપારી શરદ અગ્રવાલે કેસ નોંધાવ્યો હતો.  વેપારીએ દાવો કર્યો હતો કે સિંહ અને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અને કેટલાંક રિઅલ એસ્ટેટ ડેવલપરો સહિતના અન્યોએ તેને તેની જમીન હસ્તગત કરવા ધમકાવીને રૃ. બે કરોડની ખંડણી પડાવી હતી. આ કેસ બાદમાં સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો.   

ફરિયાદીના આરોપોની ચકાસણી કર્યા બાદ જણાયું હતું કે તેમાં આરોપને બળ આપતા પુરાવાનો અભાવ છે.  ફરિયાદીના દાવાને સમર્થન આપતો કોઈ સ્વાયત્ત પુરાવો પણ નહોવાનું અહેવાલમાં જણાવાયું હતું. 

કોઈ જાતના દબાણ કે ભયમાં રહ્યા વિના અગ્રવાલે ઈચ્છાપૂર્વક જમીન આપવાની સમજૂતી સાધી હોવાનું સીબીઆઈએ જણાવ્યું હતું. ફરિયાદી પોતાના દાવાના સમર્થનમાં કોઈ વિગતો આપી શક્યો નથી. વળી કથિત ગુનાના પાંચ વર્ષ બાદ ફરિયાદ નોંધાવવામાં આવી છે. 

મહારાષ્ટ્રમાં સિંહ સામે ૨૦૨૧માં ઘણી એફઆઈઆર નોંધાઈ હતી અને ખંડણીનો કેસ આમાંનો એક છે. એ વખતના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામે ભ્રષ્ટાચારનો આરોપ કર્યા બાદ સિંહ સામે આ કેસ નોધાયા હતા.

ઉદ્યોગ પતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન સામે વિસ્ફોટક ભરેલું વાહન પાર્ક કરવાના કેસમાં બરતરફ પોલીસ અધિકારી સચિન વાઝેની ધરપકડને પગલે માર્ચ ૨૦૨૧માં પોલીસ કમિશનર પદેથી સિંહને દૂર કરાયા બાદ આરોપો થયા હતા.



Google NewsGoogle News