નીટ-યુજી પરીક્ષામાં ડમી પરીક્ષાર્થીના કેસમાં સીબીઆઈ તપાસ શરુ
નવી મુંબઈની ડીવાયપાટીલ ડીમ્ડ યુનિવર્સિટીમાં પકડાઈ હતી
રાજસ્થાનની વિદ્યાર્થિનીએ કથિત રીતે બનાવટી ઓળખથી પરીક્ષા આપી પણ બાયોમેટ્રિક્સ તપાસમાં પકડાઈ ગઈ
મુંબઈ : નવીમુંબઈના ડીવાય પાટીલ ડીમ્ડ યુનિવર્સિટીમાં રાજસ્થાનની એક વિદ્યાર્થિનીએ કથિત રીતે બનાવટી ઓળખથી નીટ-યુજીની પરીક્ષા આપી હતી. આ વિદ્યાર્થિનીના ચોરી બાયોમેટ્રિક્સમાં પકડાઈ ગઈ હતી. ત્યારબાદ રાજ્ય સરકારની ભલામણને પગલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ આ છેતરપિંડી કેસમાં તપાસ હાથ ધરી છે. રાજસ્થાનની જવાહર મેડિકલ કોલેજની બીજા વર્ષની વિદ્યાર્થિની નિશિલ યાદવે મયુરી મનોહર પાટીલ વતી નીટની પરીક્ષા આપી હતી.
નવીમુંબઈની ડીવાય પાટીલ ડીમ્ડ યુનિચટવર્સિટીના એક અધિકારીએ નવીમુંબઈના બેલાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. આ યુનિવર્સિટી ં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા ૨૦૨૪ની નીટ પરીક્ષા નું કેન્દ્ર હતી. પરીક્ષાના શિડયૂલ મુજબ ઉમેદવારોને પાંચમી મેના રોજ બપોરના દોઢ વાગ્યાથી યુનિવર્સિટીમાં પરીક્ષા આપવા હાજર રહેવાનું કહેવામાં આવ્યું હતું.
પરીક્ષા શરૃ થતા એનટીએના અધિકારીઓ બાયોમેટ્રિક મશીન સાથે વિદ્યાર્થીઓના આધારના રેકોર્ડની તપાસ કરવા માટે આવ્યા હતા. આ સમયે પરીક્ષામાં બેસેલી મયુરી પાટીલ નામની વિદ્યાર્થિનીના બાયોમેટ્રિક રેકોર્ડ પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થિની સાથે મેળ ખાતા નહોતા. વધુ તપાસમાં આ વિદ્યાર્થિની ડમી ઉમેદવાર હોવાનું સ્પષ્ટ થયું હતું. આ બાબતે સીબીઆઈએ જણાવ્યું હતું કે જ્યારે આ વિદ્યાર્થિનીને વિશ્વાસમાં લેવામાં આવી ત્યારે તેણે તેનું સાચુ નામ અને સરનામું પુરું પાડયું હતું.
આ વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે તેનું નામ નિશિકા યાદવ છે અને તે રાજસ્થાનના અલવરની વતની છે. તે જવાહર મેડિકલ કોલેજમાં બીજા વર્ષની વિદ્યાર્થિની છે. ત્યારબાદ આઈપીસીની વિવિધ કલમો અને મહારાષ્ટ્ર પ્રિવેન્શન ઓફ મેલ પ્રેક્ટિસીસ એટ યુનિવર્સિટી, બોર્ડ અને સ્પેસિફાઈડ એક્ઝામિનેશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.