1200 કરોડના કૌભાંડમાં આઈપીએસ ભાગ્યશ્રી નવટક્કે સામે સીબીઆઈની તપાસ
તપાસમાં ખોટા દસ્તાવેજો ઊભા કરી છળ આચર્યાનો આરોપ
એક જ ગુના નંબરમાં અનેક કેસ, ફરિયાદીઓની ગેરહાજરીમાં સહીઓ મેળવીઃ રાજ્ય સરકારની ભલામણ બાદ સીબીઆઈએ તપાસ શરુ કરી
મુંબઇ - જળગાવની ભાઇચંદ હીરાચંદ રાયસોની (બીએચઆર) ક્રેડિટ સોસાયટીના ૧૨૦૦ કરોડના કૌભાંડ ની તપાસમાં ગેરરીતીઓ બદલ પુણે પોલીસની આર્થિક ગુના શાખાના તત્કાલિન ડીસીપી અને આઇપીએસ અધિકારી ભાગ્યશ્રી નવટક્કે સામે સીબીઆઈએ તપાસ ચાલુ કરી છે. અગાઉ પુણે પોલીસે તેમની સામે ફરિયાદ કરી હતી પરંતુ હવે સીબીઆઈએ નવેસરથી ગુનો નોંધી તપાસનો અખત્યાર સંભાળ્યો છે.
સીબીઆઈના આરોપ અનુસાર નવટક્કેએ આ કૌભાંડની તપાસમાં મોટાપાયે બનાવટી દસ્તાવેજો ઊભા કરી છળ આચર્યું હતું. તેમની સામે બનાવટ તથા ગુનાઈત ષડયંત્રના આરોપો છે.
નવટક્કે ૧૨૦૦ કરોડ રૃપિયાની કથિત બીએચઆર ક્રેડિટ સોસાયટી છેતરપિંડી પ્રકરણની તપાસ કરતા ટીમના ઇન્ચાર્જ હતા. તેમણે એક જ ગુના નંબર હેઠળ અનેક કેસ નોંધ્યા હતા. વધુમાં ફરિયાદીઓની ગેરહાજરીમાં જ તેમની સહીઓ મેળવી હતી. યોગ્ય કાર્યપદ્ધતિનું અનુસરણ કર્યા વિના કોઈ ચોક્કસ હેતુથી તેમણે ખોટા દસ્તાવેજો ઊભા કર્યા હોવાનો આરોપ છે.
આ બાબતે પુણે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી નિખિલ પિંગળેએ પુણેના બંડગાર્ડન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે ડીસીપી નવટક્કે વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો . જોકે, રાજ્યસરકારની ભલામણ બાદ આ પ્રકરણની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી છે. સીબીઆઇએ હવે નવટક્કે સામે પુરાવા જમા કરવાની શરૃઆત કરી દીધી છે.
આ સમગ્ર કેસ પ્રકરણે પુણે જિલ્લાના ત્રણ પોલીસ મથકમાં નવેમ્બર, ૨૦૨૦માં ગુનો દાખલ કરવામાં આવ્યા હતા. આ અનુસંધાન સુનીલ ઝંવર અને કુણાલ શાહે સમગ્ર કેસની તપાસ ખોટી રીતે હાથ ધરાઈ હોવાની ફરિયાદો કરી હતી. આ ફરિયાદની પોલીસવડાની ઓફિસના ત્રણ વરિષ્ઠ અધિકારીઓએ તપાસ કરી હતી. ત્યારબાદ ૧૯ ફેબુ્રઆરી, ૨૦૨૪ના રોજ પોલીસવડાએ આ બાબતનો તપાસનો અહેવાલ ગૃહવિભાગને મોકલી આપ્યો હતો. મુખ્ય પ્રધાન કાર્યલયના આદેશ પછી હવે આ પ્રકરણે સીબીઆઇને સોંપવામાં આવ્યું છે.