mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

15-16 કિમીની જાડાઈ ધરાવતાં સીબી ક્લાઉડે મુંબઈને ધુ્રજાવતું ડસ્ટ સ્ટોર્મ સર્જ્યું

Updated: May 14th, 2024

15-16 કિમીની જાડાઈ ધરાવતાં સીબી ક્લાઉડે મુંબઈને ધુ્રજાવતું ડસ્ટ સ્ટોર્મ સર્જ્યું 1 - image


લાખો મુંબઈગરાઓ માટે જિંદગીભર યાદ રહે તેવો ડરામણો અનુભવ

મુંબઇનાં પૂર્વ --પશ્ચિમનાં પરાંથી લઇને થાણે,પાલઘર,રત્નાગિરિ, સિંધુદુર્ગ સુધી તીવ્ર અસર થઇ : હજી આવતા ચાર દિવસ મહારાષ્ટ્રમાં ગાજવીજ,વરસાદનો વરતારો

મુંબઈમાં 26, જુલાઈ 2005ના વરસાદ માટે પણ સીબી ક્લાઉડ જ જવાબદાર હતું

મુંબઇ :   આજે  બપોરે લગભગ ૩ -૩૦ વાગે મુંબઇ સહિત થાણે અને તેની આજુબાજુના વિસ્તારના હવામાનમાં અચાનક જ જબરો તોફાની પલટો  આવ્યો હતો. વિશાળ ગગનમાં  કાળાં ડિબાંગ વાદળો, વાતાવરણમાં ધૂળની ડમરી, વરસાદનું જબરું  ત્રેખડ સર્જાયું હતું.સાથોસાથ  ૫૦-૬૦ કિલોમીટરની ગતિએ  તોફાની  પવન પણ ફૂંકાયો હતો.   હવામાનની આવી અચાનક અને પ્રચંડ થપાટથી મુંબઇગરાં રીતસર હેબતાઇ ગયાં હતાં. વાતાવરણ આખું ધૂળિયું થઇ ગયું હોવાથી મુંબઇની ગગનચુંબી ઇમારતો અને દૂરનાં દ્રશ્યો પણ  પણ ઝાંખાં દેખાતાં હતાં. આવા અચાનક જ પલટાયેલા માહોલને કારણે મુંબઇમાં દ્રષ્ટિક્ષમતા પણ ઘણી નબળી થઇ ગઇ હતી.પરિણામે  વાહનો અને લોકલ ટ્રેનોની ગતિ પણ ધીમી  થઇ ગઇ હોવાના અને ટ્રાફિક સમસ્યા સર્જાઇ હોવાના સમાચાર મળે છે.જોકે હવામાનનો  આવો તોફાની  મિજાજ એક -દોઢ કલાક  બાદ ઘણો શાંત થઇ ગયો  હતો. પરિણામે મુંબઇગરાંએ હાશકારો લીધો  હતો.

આજે મુંબઇ અને થાણેના હવામાનનો તોફાની પલટો ક્યુમ્યુલોનિમ્બસ (જેને હવામાનશાસ્ત્રની ભાષામાં સીબી ક્લાઉડ્ઝ કહેવાય છે)નામના અને પ્રકારના વાદળના વિશાળ જમઘટને કારણે આવ્યો હતો. આવાં સીબી ક્લાઉડ્ઝ બરાબર સક્રિય  થાય ત્યારે  ભારે તોફાની  બને. માત્ર અડધા કલાકમાં સમગ્ર વાતાવરણને હતું ન હતું કરી નાખે. આકાશમાં આવાં સીબી ક્લાઉડ્ઝ  વાતાવરણના પહેલા પટ્ટા  -- ટ્રોપોસ્ફિયર -- ૮ --૧૨ કિલોમીટરના પટ્ટામાં સર્જાય છે. સીબી ક્લાઉડ્ઝની  જાડાઇ લગભગ ૧૫ -૧૬ કિલોમીટર જેટલી અતિ ઘટ્ટ હોય અને તેમાં પાણીનો વિપુલ જથ્થો પણ હોય. વિશાળ વિસ્તારને આવરી લેતાં હોવાથી તેની થપાટ પણ પ્રચંડ વાગે. 

ખાસ કરીને આવાં સીબી ક્લાઉડ્ઝને કારણે વાતાવરણના ઉપરના પટ્ટાના અતિ ભારે દબાણને કારણે નીચેના વાતાવરણમાંની હવા અસ્તવ્યસ્ત  થઇ જાય. પરિણામે પવનની ગતિ પણ અત્યંત  તીવ્ર બનીને  ૫૦ -૬૦ કિલોમીટર(પ્રતિ કલાક)ની થઇ જાય.  તોફાની પવનને કારણે  ધરતી પરની ધૂળ પણ ઉડ અને ગોળ ગોળ ઘુમરાવા માંડે.  સરવાળે   વાતાવરણ  ધૂળિયું થઇ જાય. ઉપરાંત,મેઘગર્જના, વીજળીના કડાકા,તોફાની  પવન સાથે વરસાદ પણ વરસે છે. મુંબઈમાં તબાહી મચાવનારું પૂર તા. ૨૬મી જાન્યુઆરીએ ૨૦૦૫ના રોજ આવ્યું હતું. તે માટે પણ આવું સીબી કલાઉડ જ જવાબદાર હતું. આ કલાઉડ સાંતાક્રુઝ આસપાસ જ સ્થિર થઈ ગયું હતું. 

આજે  મુંબઇનાં પૂર્વનાં પરાં  ઘાટકોપર,મુલુંડ, ભાંડુપ, વિક્રોલી, વિદ્યાવિહાર, પવઇ અને પશ્ચિમનાં પરાં બોરીવલી, કાંદિવલી,મલાડથી લઇને અંધેરીમાં પણ આવું જ ધુળિયું અને વરસાદી વાતાવરણ સર્જાયું હતું. ઉપરાંત  નવી મુંબઇ, દેવનાર, સાયન, ચેમ્બુર,માનખુર્દ, થાણે,મુંબ્રા, દિવા, ડોબીવલીમાં પણ આવી જ અસર વરતાઇ હોવાના સમાચાર મળે છે.

હવામાન વિભાગે એવો વરતારો  આપ્યો છે કે હજી આવતા ચાર દિવસ(૧૪થી ૧૭-મે)દરમિયાન  કોંકણ, મધ્ય  મહારાષ્ટ્ર, મરાઠવાડા, વિદર્ભમાં મેઘગર્જના, વીજળીના પ્રચંડ કડાકા, તોફાની પવન સાથે વરસાદ-કરાનો માહોલ સર્જાય તેવાં કુદરતી પરિબળો સર્જાઇ રહ્યાં છે. મુંબઇમાં આવતા ૪૮ કલાક દરમિયાન ગરમી અને બફારો રહેવાની શક્યતા છે. 

આજે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૩.૮ અને લઘુત્તમ તાપમાન ૨૭.૨ ડિગ્રી ,જ્યારે સાતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૪.૮ અને લઘુત્તમ તાપમાન ૨૮.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.આજે કોલાબામાં ભેજનું પ્રમાણ ૮૪--૯૫ ટકા, જ્યારે સાતાક્રૂઝમાં  ભેજનું પ્રમાણ ૭૪ -૯૧ ટકા રહ્યું હતું.આવતા ૪૮ કલાક દરમિયાન મુંબઇમાં  મહત્તમ તાપમાન ૩૫.૦-૩૬.૦ ડિગ્રી, જ્યારે લઘુત્તમ તાપમાન ૨૮.૦ -૨૭.૦ ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગ(મુંબઇ કેન્દ્ર)ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ  સુનીલ કાંબળેએ  ગુજરાત સમાચારને એવી માહિતી  આપી હતી કે આજે બપોરે મુંબઇ સહિત થાણે,પાલઘર,રાયગઢ,રત્નાગિરિ,સિંધુદુર્ગ સુધીના કોંકણના દરિયા કિનારાનાં સ્થળોએ મેઘગર્જના, વીજળીના ચમકારા, તીવ્ર પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. હવામાનના આવા પલટાને હવામાનશાસ્ત્રની ભાષામાં થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી  કહેવાય છે. 

હાલ મધ્ય  પ્રદેશથી વિદર્ભ -મરાઠવાડા થઇને કોમોરીન -- તામિલનાડુ સુધીના ગગનમાં ૦.૯ કિલોમીટરના અંતરે હવાના હળવા દબાણનો પટ્ટો સર્જાયો છે. સાથોસાત આટલા જ અંતરે બે વિરુદ્ધ દિશાના પવનોની જબરી ટક્કર પણ થઇ રહી છે. આવાં ભારે તોફાની કુદરતી પરિબળોની સીધી અને વ્યાપક અસરથી હજી આવતા ચાર દિવસ(૧૪થી ૧૭ -મે) દરમિયાન કોંકણ,મધ્ય મહારાષ્ટ્ર,મરાઠવાડા, વિદર્ભમાં મેઘગર્જના,વીજળીના ચમકારા,તીવ્ર પવન સાથે વરસાદ-કરા પડવાની સંભાવના છે.


Gujarat