Get The App

કેશ ફોર વોટ કાંડ: ભાજપના વિનોદ તાવડે ફસાયા

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
કેશ ફોર વોટ કાંડ: ભાજપના વિનોદ તાવડે ફસાયા 1 - image


- વિરારમાં હોટલના રુમમાં પાંચ કરોડ વહેચી રહ્યાના આક્ષેપો સાથે કલાકો સુધી ઘેરાવ

- મહારાષ્ટ્રમાં મતદાન પહેલાં જ વિવાદ 

- ભાજપમાંથી આવેલી બાતમીને પગલે તાવડે પર હલ્લો: શંકાસ્પદ વ્યવહારો ધરાવતી ડાયરીઓ પણ મળી: કાર્યકરોને મળવા આવ્યા હોવાનો જ તાવડેનો બચાવ

મુંબઈ : મહારાષ્ટ્રમાં આવતીકાલે મતદાનની પૂર્વ સંધ્યાએ જ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તથા મહારાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા વિનોદ તાવડે કેશ ફોર વોટ સ્કેમમાં ફસાતાં રાજકીય રમખાણ મચી ગયું હતું. વિનોદ તાવડે વિરારની વિવાંતા હોટલમાં ભાજપના કાર્યકરોને પાંચ કરોડ વહેંચી રહ્યા હોવાના આક્ષેપ સાથે હિતેન્દ્ર ઠાકુર તથા ક્ષિતિજ ઠાકુર સહિત તેમના સ્થાનિક કાર્યકરોએ ધમાલ મચાવી હતી અને લાઈવ વીડિયો વાયરલ કર્યો હતો. તાવડે પાસેથી ડાયરીમાં શંકાસ્પદ વ્યવહારો મળ્યા હોવાનો આક્ષેપ પણ મૂકાયો હતો.  તેમણે કલાકો સુધી વિનોદ તાવડેને રુમની બહાર નીકળવા દીધા ન હતા. તાવડેએ પોતે માત્ર કાર્યકરો સાથે મીટિંગમાં આવ્યા હોવાનું જણાવી તમામ આરોપો ફગાવી દીધા હતા. આખરે મોડી સાંજે તુલિંજ પોલીસ મથકે આ મામલે કેસ નોંધાયો હતો જેમાં ચૂંટણી પંચે માત્ર ૯.૯૩ લાખ રુપિયાની રોકડ મળી હોવાનું જણાવ્યું હતું. આ સમગ્ર કાંડ બાદ વિપક્ષોએ તાવડે સામે ફરિયાદ નોંધી ધરપકડની માગણી કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ આ કાંડને ભાજપની નોટ જેહાદ ગણાવી હતી. દરમિયાન, હિતેન્દ્ર ઠાકુરે ભાજપના જ એક નેતાએ તેમને તાવડે હોટલમાં રુપિયા વહેંચી રહ્યા હોવાની માહિતી આપ્યાનો દાવો કરતાં ભાજપનો આંતરિક વિખવાદ પણ સપાટી પર આવી ગયો છે. 

વિરાર-ઈસ્ટના મનવેલ પાડા વિસ્તારમાં હોટેલ વિવાંતા આવેલી છે. બહુજન વિકાસ આઘાડીના કાર્યકરોને માહિતી મળી કે સવારે સાડા અગિયાર વાગ્યાની આસપાસ વિવાંતા હોટલમાં ભાજપના નેતાઓ પૈસા વહેંચી રહ્યા છે. ભુતપૂર્વ કોર્પોરેટર અતુલ સાળુખે, કિશોર પાટીલ, નિલેશ દેશમુખ તેમના કાર્યકરો સાથે ત્યાં પહોંચ્યા હતા. તેમને ત્યારે ે હોટલના ઓડિટોરિયમમાં ત્રણસોથી વધુ લોકોની ભીડ જોવા મળી હતી. એ સાથે ભાજપના રાષ્ટ્રીય સચિવ વિનોદ તાવડે, મહાયુતિના સ્થાનિક ઉમેદવાર રાજન નાઈક, ભાજપના કાર્યકતા સુદેશ ચૌધરી, કૈલાસ પાટીલ અને અન્ય નેતાઓ પણ ઉપસ્થિત હતા.કાર્યકરોએ અહીં પૈસા વહેંચાઈ રહ્યાના આક્ષેપો સાથે ધમાલ મચાવી હતી. તેમણે નોટોની થોકડીઓ પણ ઉડાડી હતી. 

વિનોદ તાવડેને  ઘેરાવ, ડાયરી વિશે પૂછપરછ

બહુજન વિકાસ આઘાડીના કાર્યકરોએ વિનોદ તાવડે પાસેથી બેગો ખેંચી લીધી અને રૂમની તપાસ કરી હતી. ત્યારે નોટો ધરાવતાં પેકેટો મળી આવતાં કાર્યકતાઓ વધુવિફર્યા હતા. તેમ જ આ સમયે મળી આવેલી ડાયરીમાં કોઈને કેટલા રૂપિયા આપવામાં આવ્યા તેનો રેકોર્ડ હોવાનો દાવો કરાયો હતો. ઉલ્લેખનીય છે કે અનેક પાકિટમાં ભાજપના ઉમેદવાર રાજન નાઈકના ફોટા પણ હતા. આ કારણે ધારાસભ્ય ક્ષિતિજ ઠાકુર અને કાર્યકરોએ આ પાકીટ અને ડાયરીઓ સીધી વિનોદ તાવડેની સામે બતાવી અને તેમને જવાબ આપવા કહયું હતું. વિનોદ તાવડેએ ચહેરા પર તણાવ સાથે સોગંદ ખાવા માંડયા હતા કે આ મારા પૈસા નથી, મેં પૈસા વહેંચ્યા નથી. 

પૈસા લેવા આવેલી મહિલાઓએ મોઢું છૂપાવ્યું, ભાગદોડ અને મારામારી

જોતજોતામાં હિતેન્દ્ર ઠાકુરના વધુ   કાર્યકરો હોટલ વિવાંતા પાસે પહોંચ્યા હતા. હોટેલને ચારેય બાજુએથી સેંકડો કાર્યકરોએ ઘેરી લીધી અને કોઈને પણ બહાર જવા દીધા નહોતા. કોઈ કિચનમાંથી ભાગવાનો પ્રયાસ કરી રહયું હતું તો કોઈ અન્ય દરવાજાથી પણ કોઈને કાર્યકરોએ ભાગવા દીધા નહોતા. તેમ જ જે મહિલાઓને પૈસા મળ્યા હતા તેઓ સીડીઓ પર ખૂણામાં મોઢું છુપાવીને બેઠી હતી. તેમ જ અમુક ભાજપ, શિંદે જૂથના અમુક નેતાઓએ માર મારવામાં આવ્યો હતો. ત્યારે ભાજપના નાલાસોપારાના ઉમેદવાર મહિલાઓના જુથ વચ્ચેથી બહાર નીકળવાના પ્રયત્નો કરી રહયા હતા. 

વિરાર પોલીસે વધારાની ફોર્સ બોલાવી

 તણાવપૂર્ણ પરિસ્થિતિ હાથમાંથી નીકળી રહી હોવાનું સમજીને વિરાર પોલીસે વધારાનો ફોર્સ બોલાવ્યો હતો. પોલીસ વિભાગના ડેપ્યુટી કમિશનર આફ પોલીસ સર્કલ-૨ નાપૂણમા ચૌગુલે-શ્રીંગી,ડેપ્યુટી કમિશનર આફ પોલીસ સર્કલ ૩ જયંત બજબલેવગેરે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ સમયે મોટો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

તાવડેએ હિતેન્દ્ર ઠાકુરને 25 કોલ કર્યા

રાજકીય ધમાલ ચાલુ હોવાથી બહુજન વિકાસ આઘાડીના પ્રમુખ ધારાસભ્ય હિતેન્દ્ર ઠાકુર ઘટના સ્થળે આવ્યા હતા.  તેમણે  કહ્યુ ંહતું કે  વિનોદ તાવડે અને રાજન નાઈકને કહયું કે તેઓએ મીડિયા સામે આવીને સત્ય કહેવું જોઈએ નહીંતર અમે તેમને બહાર જવા નહીં દઈએ. નેતાઓએ મતદાન પહેલાં ૪૮ કલાકની અંદર મતવિસ્તાર છોડીને પ્રચાર કરવાનું બંધ કરવાનું માનવામાં આવે છે, તો વિનોદ તાવડે નાલાસોપારા કેમ આવ્યા એમ તેમણે પૂછયું હતું. હિતેન્દ્ર ઠાકુરે એમ પણ કહયું કે, વિનોદ તાવડેએ આ મામલાને ઉકેલવા માટે  મને પચ્ચીસ  ફોન કોલ્સ કર્યા હતા.અંતે વિનોદ તાવડેએ પોતાનો બચાવ કરતાં કહયું કે, તેઓ કાર્યકરોને ચૂંટણી પ્રક્રિયાની માહિતી આપવા આવ્યા હતા. 

કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ અટકાવી 

અંતે ઘટનાસ્થળે જ મીડિયા સામે પત્રકાર પરિષદ યોજાઈ હતી. પરંતુ, કલેક્ટરે મતદાન પહેલા ઉમેદવારો પ્રેસ કોન્ફરન્સ ન કરી શકે તેમ જણાવ્યા બાદ તેને આંશિક રીતે પડતી મુકવી પડી હતી. હિતેન્દ્ર ઠાકુરે આક્ષેપપણ કર્યો હતો કે ભાજપના શુભચિંતકોએ જ મને પૈસાની વહેંચણીની માહિતી આપી હતી. તેમ જ હોટેલના સીસીટીવી સવારથી બંધ હોવાનું પણ જણાય આવ્યું હતું. 

વિનોદ તાવડે, રાજન નાઈક સામે ગુના નોંધાયા..

આ બનાવમાંબહુજન વિકાસ આઘાડીની ફરિયાદના આધારે, જ્યારે ચૂંટણી નિર્ણય અધિકારીઓએ સમગ્ર હોટલની તપાસ કરી, ત્યારે ત્યાંથી૯ લાખ ૯૩ હજાર રૂપિયા રોકડા તેમજ દસ્તાવેજો, ડાયરીઓ અને અન્ય પ્રચાર સામગ્રી મળી આવી હતી. તે જપ્ત કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી અધિકારી અને પાલઘરના કલેક્ટર ગોવિંદ બોડકેએ માહિતી આપી હતી કે, ભાજપના નેતાઓ વિનોદ તાવડે અને રાજન નાઈક સામે રોકડ રાખવા, ગેરકાયદે પ્રચાર તથા ગેરકાયદે પ્રેસ કોન્ફરન્સ એમ ત્રણ ગુના નોંધાયા છે. 

સુરક્ષા ખાતર તાવડે ઠાકુરની કારમાં જ નીકળ્યા

બહુજન વિકાસ આઘાડીના કાર્યકરો આક્રમક બન્યા બાદ હોવાથી વિનોદ તાવડે ગભરાઈ ગયા હતા. આથી બપોરે લગભગ સાડા વાગ્યાની આસપાસ હિતેન્દ્ર ઠાકુર અને ક્ષિતિજ ઠાકુરે કાર્યકરોને શાંત પાડયા અને હોટલની જગ્યા છોડી જવા કહયું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિનોદ તાવડેને તેમની કારમાં સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જે બાદ વિનોદ તાવડે મુંબઈ જવા રવાના થઈ ગયા હતા. હિતેન્દ્ર ઠાકુરે કહયું કે રાજકીય  દુશ્મનાવટ  પણ હોય તો પણ માનવતાના દૃષ્ટિકોણથી તેમને સુરક્ષિત બહાર લાવવામાં આવ્યા હતા.

288 બેઠકો માટે 4140 ઉમેદવારો મેદાનમાં  

મહાયુતિ કે આઘાડી? મહારાષ્ટ્રના 9 કરોડથી વધુ મતદારોનું આજે નિર્ણાયક મતદાન

- એક લાખથી વધુ મતદાન મથકો પર મતદાન થશે: રાજકીય તડજોડનાં રાજકારણ વચ્ચે મતદારોની આકરી કસોટી

મુંબઇ : મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮ બેઠકો માટે આવતીકાલે એક જ તબક્કામાં મતદાન કરશે. કુલ ૯.૭૦ કરોડ મતદારો એક લાખથી વધુ મતદાન મથકો પર તેમના મતાધિકારનો પ્રયોગ કરશે. રાજ્યમાં ભાજપ, અજિત પવારની એનસીપી તથા એકનાથ શિંદેની શિવસેનાની મહાયુતિ તથા બીજી તરફ કોંગ્રેસ, ઉદ્ધવઠાકરેની શિવસેના અને શરદ પવારની એનસીપીની મહાવિકાસ આઘાડી એમ બે મુખ્ય જોડાણો વચ્ચે જંગ છે. જોકે, ગયાં પાંચ વર્ષમાં જે રીતે જોડાણો તૂટયાં અને નવાં ને નવાં જોડાણો રચાયાં તેથી હતપ્રભ થઈ ચૂકેલા મહારાષ્ટ્રના મતદાર માટે પોતાના જનપ્રતિનિધિ નક્કી કરવાની આકરી કસોટી છે. 

વિધાનસભાની આગામી ચૂંટણીમાં કુલ ૨૮૮ બેઠકો માટે  કુલ ૪૧૪૦ ઉમેદવારો મેદાનમાં છે. તેમાં ભાજપના ઉમેદવારો ૧૪૯ બેઠકો, શિવસેના (શિંદે જૂથોના ૮૧ અને એનસીપી (અજિત પવાર)ના ઉમેદવારો ૫૯ બેઠકો પર ઉભા છે. કોંગ્રેસના ઉમેદવારો ૧૦૧ બેઠકો, શિવસેના (ઉદ્ધવ જૂથ)ના ૯૫ અને એનસીપી (શરદ પવાર)ના ઉમેદવારો ૮૬ બેઠકો પર લડી રહ્યા છે. બહુજન સમાજ પાર્ટી (બીએસપી)ના ૨૩૭ ઉમેદવારો અને એઆઇએમઆઇએમના ૧૭ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.

૨૦૧૯ વિધાનસભાની ચૂંટણીની સરખામણીમાં ઉમેદવારોની સંખ્યામાં ૨૮ ટકાનો વધારો થયો છે. ૨૦૧૯માં ૩૨૩૯ ઉમેદવારો હતા જે ૨૦૨૪માં વધીને ૩૨૩૯ થયા છે.  ૨૦૮૬ અપક્ષ ઉમેદવારોએ પણ ચૂંટણી સ્પર્ધામાં ભાગ લીધો છે. મહાયુતિ અને એમવીએના બળવાખોરો ૧૫૦થી વધુ બેઠકો પર ઉભા રહ્યા છે.

૨૦૧૯માં નોંધાયેલા મતદારો ૮,૯૪,૪૬,૨૧૧ હતા જેમાં ૬૯,૨૩, ૧૯૯ જેટલા નવા મતદારો ઉમેરાતા કુલ ૯,૬૩,૬૯,૪૧૦ મતદારો નોંધાયા છે. પ્રથમ વાર મતદાન કરવા ૨૦,૯૩,૨૦૬ યુવાનો છે જેમની વય ૧૮-૧૯ની વચ્ચેની છે. વિવિધ અક્ષમતા ધરાવતા ૬,૩૬,૨૭૮ મતદારો અને સૈન્યદળોના ૧,૧૬,૩૫૫ મતદારોનો પણ રાજ્યના મતદારોમાં સમાવેશ થયો છે.

૨૦૧૯ની વિધાનસભા ચૂંટણીમાં મતદાન મથકોની સંખ્યા ૯૬,૬૫૪ હતી જે ૨૦૨૪માં વધીને ૧,૦૦,૧૮૬ થઇ છે. ચૂંટણી વ્યવસ્થામાં રાજ્ય સરકારના કુલ છ લાખ કર્મચારીઓ જોડાયા છે. 


Google NewsGoogle News