ભડકાઉ ભાષણને બદલ નીતેશ રાણે, ગીતા જૈન સામે કેસ નોંધાયા

Updated: Apr 23rd, 2024


Google NewsGoogle News
ભડકાઉ ભાષણને બદલ નીતેશ  રાણે, ગીતા જૈન સામે કેસ નોંધાયા 1 - image


મીરા ભાંયદરમાં કોમી હિંસા દરમ્યાન ભાષણની ચકાસણી

પ્રાથમિક ચકાસણીમાં  ભાષણો વાંધાજનક જણાયાની હાઈકોર્ટમાં રજૂઆત

મુંબઈ :  થાણે જિલ્લામાં જાન્યુઆરી મહિનામાં કોમી હિંસા દરમ્યાન વાંધાજનક ભાષણ આપ્યાનું જણાયા બાદ ભાજપના ધારાસભ્યો નીતેશ રાણે અને ગીતા જૈન સામે કેસ નોંધાયા હોવાની મહારાષ્ટ્ર પોલીસે બોમ્બે હાઈ કોર્ટને જાણ કરી હતી. 

હાઈ કોર્ટે ગયા સપ્તાહે પોલીસ કમિશનરને વ્યક્તિગત રીતે બંને નેતાઓના ભાષણ ચકાસીને વાંધાજનક કે ઉશ્કેરણીજનક છે કે નહીં તે તપાસવા જણાવ્યું હતું.

સરકારી વકિલે કોર્ટને મંગળવારે જણાવ્યું હતું કે પ્રાથમિક ચકાસણીમાં મીરા ભાયંદરમાં હિંસા દરમ્યાન રાણે અને જૈને આપેલા ભાષણો વાંધાજનક જણાયા છે.

રાણેએ માલવણી, માનખુર્દ અને ઘાટકોપરમાં પણ ઉશ્કેરણીજનક ભાષણ આપ્યાનો આરોપ છે. જૈન સામે મીરા ભાયંદરમાં ભડકાઉ ભાષણ આપવાનો આરોપ છે. બંને સામે પોલીસે સંબંધીત કલમો હેઠળ ગુનો નોંધ્યો હોવાનું સરકારીવકિલે જણાવ્યું હતું.

મીરા ભાયંદરમાં ૨૨થી ૨૬ જાન્યુઆરી દરમ્યાન થયેલી કોમી હિંસા સંબંધે અન્ય વ્યક્તિઓ સામે પણ ૧૩ જુદા જુદા કેસ નોંધાયા હોવાનું તેમણે જણાવ્યું હતું. તમામ કેસની તપાસ ચાલી રહી છે. કોર્ટે આ કેસની સુનાવણી ૧૯ જૂન પર રાખી છે.

કથિત ભડકાઉ ભાષણ આપનારા બંને નેતાઓ સામે કેસ દાખલ કરવાની માગણી કરતી અરજીઓની સુનાવણી ચાલી રહી હતી.



Google NewsGoogle News