બનાવટી દસ્તાવેજોથી વીઝા લેવા આવેલા મહેસાણાના યુવક સામે ગુનો દાખલ
કેનેડાના વીઝા માટે પણ નકલી દસ્તાવેજો આપ્યા હતા
મહેસાણાના બલોલના નિકુંજ પટેલ ઉપરાંત ત્રણ ગુજરાતી એજન્ટો સામે યુએસ કોન્સ્યુલેટએ ફરિયાદ નોંધાવી
મુંબઈ : યુએસ કોન્સ્યુલેટની ફરિયાદને આધારે બોગસ દસ્તાવેજો સબમિટ કરી યુનાઈટેડ સ્ટેટ્સ (યુએસ) વિઝા મેળવવાનો પ્રયાસ કરવા બદ્દલ મુંબઈ પોલીસે સોમવારે ગુજરાતના મહેસાણા જિલ્લાની એક વ્યક્તિ સહિત તેના ત્રણ એજન્ટો સામે પણ ગુનો નોંધ્યો છે.
ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના સંથાલના બલોલ ગામના રહેવાસી ૩૬ વર્ષીય નિકુંજ પટેલે વિઝા મેળવવા માટે મુંબઈની યુએસ કોન્સુલેટની મુલાકાત લીધી હતી. તે સમયે વેરિફિકેશન પ્રક્રિયા દરમ્યાન અધિકારીઓને કેટલીક વિસંગતતાઓ જોવા મળી હતી.
પોલીસ ફરિયાદ મુજબ, પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, પટેલે પહેલાં કેનેડાના વિઝા માટે અરજી કરી હતી, પરંતુ ત્યારબાદ તેણે બોગસ યુએસ વિઝા રજૂ કર્યા હોવાથી તે વાતની જાણ કનેડા કોન્સ્યુલેટને થતાં તેના વિઝા નકારી કઢાયા હતા. યુએસ કોન્સ્યુલેટે એ પણ શોધ્યું હતું કે, પટેલે યુએસ વિઝા મેળવવા માટે ફરીથી ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા.
બીકેસી પોલીસે જણાવ્યું હતું કે, જ્યારે તેને બોલાવવામાં આવ્યો ત્યારે તેણે ત્રણ એજન્ટ સોનલ (૩૦), ઉદય રાવલ (૪૦) અને પીયુષકુમાર પટેલ (૪૦)ના નામ આપ્યા હતાં. જેઓ છેતરપિંડીથી યુએસ વિઝા મેળવવામાં મદદ કરી રહ્યા હતાં. તેમની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ચારેય વ્યક્તિ પર ભારતીય ન્યાય સંહિતા હેઠળ છેતરપિંડી અને બનાવટનો ગુનો નોંધ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.