યુપીના યુવકના આપઘાત માટે મુંબઈ પોલીસના જવાનો સામે ગુનો દાખલ
ડીએનનગરના સ્ટાફે મારપીટ કરતાં લાગી આવ્યું હતું
સાયબર છેતરપિંડીના કેસ બાબતે ફિરોઝાબાદ ગયેલ પોલીસકર્મીએ તેને માર મારી 1.30 લાખ પડાવ્યાનો મૃતકના પિતાનો આરોપ
મુંબઇ : ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં સાયબર છેતરપિંડીના એક લાભાર્થી યુવાને ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ડીએનનગર પોલીસ સ્ટેશનના એક સબ ઇન્સ્પેક્ટર અને બે કોન્સ્ટેબલ સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
આ સંદર્ભે ફિરોઝાબાદ પોલીસના સૂત્રોનુસાર મૃતક સુરજ રાઠોડને મુંબઇ પોલીસે સાયબર છેતરપિંડીનો એક લાભાર્થી ગણાવ્યો હતો. આ સંદર્ભે સૂરજના પિતા મોહર રાઠોડે દાવો કર્યો હતો કે પહેલી ડિસેમ્બરના ડીએન નગર પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર સંતોષ માર્સલ, કોન્સ્ટેબલ ગાયક વાડ અને મ્હેત્રે અટકધારી પોલીસ કોન્સ્ટેબલ તેમના ફિરોઝાબાદના ઘરે આવ્યા હતા. આ લોકોએ સૂરજને માર-માર્યો હતો અને નજીકના પોલીસ સ્ટેશનમાં લઇ ગયા હતા. તેમણે વધુ આરોપ કરતાં જણાવ્યું હતું કે આ ત્રણેય પોલીસકર્મીઓએ સૂરજને જેલમાં જવાથી રોકવા અને કેસને નબળો પાડવા દોઢ લાખ રૃપિયાની માગણી કરી હતી. જો કે તેઓ ફક્ત ૧.૩૦ લાખની વ્યવસ્થા કરી શક્યા હતા.
આ સંદર્ભે મોહર રાઠોડે આરોપ લગાવ્યો હતો કે આ લોકો પાસેથી એફઆઇઆરની નકલ અથવા પુત્ર ગુનામાં સંડોવાયેલો હોવાનો પુરાવો માગ્યો હતો પરંતુ તેમણે કોઇ પુરાવા માગ્યા નહોતા અને કોઇ દાદ આપી નહોતી. આ પ્રકરણે ફિરોઝાબાદ પોલીસે પણ કોઇ મદદ ન કરી હોવાનો આરોપ નિવૃત પોસ્ટ માસ્ટર મોહરે કરી હતી.
આ બાબતે નોંધાયેલી એક એફઆઇઆર મુજબ સુરજે ૨ ડિસેમ્બરના રોજ તેના ઘરે પંખાથી લટકી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેને વધુ સારવાર માટે આગ્રાની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ચોથી ડિસેમ્બરના રોજ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
મૃતક સૂરજના પિતા મોહરે વધુ ગંભીર આરોપ કરતા જણાવ્યું હતું કે તેમના પુત્રની પોલીસે મારપીટ કરી હોવાથી તેને આઘાત લાગ્યો હતો. તે સરકારી પોલિટેક્નિક કોલેજનો વિદ્યાર્થી હતો અને ક્યારેય મુંબઇ આવ્યો નહોતો. તેનો કોઇ ગુનાહિત ઇતિહાસ પણ નહોતો. તેના મોત માટે મુંબઇ પોલીસ જવાબદાર છે તેવો દાવો મોહરે કર્યો હતો.
આ સંદર્ભે ત્યાંના સ્થાનિક એસપીએ માધ્યમોને જણાવ્યું હતું કે મુંબઇ પોલીસની ટીમે ફ્રોડના એક કેસમાં મૃતકને સંડોવતા વ્યવહારોની વિગત હોવાનો દાવો કર્યો હતો. તેઓ સીઆરપીસીની કલમ ૪૧એ હેઠળ મૃતકને નોટિસ બજાવવા ગયા હતા. જો કે મૃતકના પિતાના આરોપને આધાર મુંબઇ પોલીસના ત્રણ કર્મચારી સામે આઇપીસીની કલમ ૩૦૬ (આત્મહત્યા માટે ઉશ્કેરણી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં કોઇ સુસાઇડ નોટ પોલીસને મળી નહોતી. આ ઉપરાંત પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં મૃતકના શરીર પર કોઇ ઇજાના નિશાન મળ્યા નહોતા.