માંજાથી બાઈક સવારનું ગળું કપાતાં પતંગ મહોત્સવના આયોજક સામે કેસ
વસઈના બાઈક ચાલકને ગળે ટાંકા આવ્યા
અકસ્માત બાદ જાગેલી વસઈ પોલીસે નાયલોન માંજા પર પ્રતિબંધનું જાહેરનામું પ્રગટ કર્યું
મુંબઈ - વસઈમાં નાયલોન માંજાના કારણે એક બાઈકચાલકનું ગળું કપાયા બાદ પોલીસે પતંગ મહોત્સવ યોજનારી આયોજક કંપની સામે કેસ દાખલ કર્યો છે.
ે વસઈ ઈસ્ટમાં રહેતો ૩૫ વર્ષનો વિક્રમ ડાંગે રવિવારે સાંજે તેની પત્ની અને દીકરા સાથે ટુ-વ્હીલર પર મધુબન વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મધુબન વિસ્તારમાં પંતગ ઊડી રહ્યા હતા. આ સમયે તેના ગળામાં એક માંજો ફસાઈ જવાથી તે બાઈક પરથી પટકાયો હતો. વિક્રમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેની ગરદન પર નવ ટાંકા આવ્યા છે .
બનાવ બાદ વિક્રમ ડાંગેની પત્ની નીતલ ડાંગેએ વાલીવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે, વાલિવ પોલીસે કાઈટ ફેસ્ટિવલના આયોજક સ્માર્ટ સિટીનાકન્સેપચ્યુલએડવાઇઝરી સવસીસ સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૨૫, ૧૫૫ (બી) હેઠળ કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.
યુવકનું ગળું કપાયા બાદ પોલીસે પ્રતિબંધ ફરમાવ્યો
બાઈક સવારનું ગળું કપાયાની ઘટના રવિવારે સાંજે બની હતી. તે પછી સોમવારે સાંજે મીરા-ભાયંદર, વસઈ-વિરાર પોલીસ કમિશનરટે મનાઈ આદેશ જાહેર કરીને નાયલોનના માંજાના ઉપયોગ સામે પ્રતિબંધ હોવાનું જાહેર કર્યું હતું. પોલીસ ઘટના બાદ જાગી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.