સચિનના ડીપફેક વીડિયો અંગે ગેમિંગ સાઈટ, ફેસબુક પેજ સામે ગુનો દાખલ
સચિને સોશિયલ મીડિયા પર મુદ્દો ઉઠાવ્યો હતો, પ્રાથમિક તપાસ પછી પગલું
એપના ખોટી રીતે પ્રચાર બદલ સચિનના પીએ દ્વારા સાયબર પોલીસ સ્ટેશનમાં આઈટી એક્ટ હેઠળ ફરિયાદ અપાઈ
મુંબઈ : ક્રિકેટિંગ લેજન્ડ સચિન તેંડુલકરે તેના ડીપફેક વીડિયો અંગે ચિંતા વ્યક્ત કર્યા બાદ મુંબઈ પોલીસે ગેમિંગ સાઈટ અને ફેસબુક પેજ યુઝર સામે કેસ નોંધ્યો છે. ડિજિટલી મેનિપ્યુલેટેડ ક્લિપમાં સચિનનો અવાજ હતો. ડીપફેક વીડિયોમાં સચિન અને તેની પુત્રી ગેમિંગ એપ પર ઝડપથી કમાણી કરી રહ્યા હોવાનું જણાવી એપનો પ્રચાર કરતા દર્શાવવામાં આવ્યા હતા.
સચિનના અંગત સહાયક દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે સાયબર પોલીસ સ્ટેશનમાં કલમ ૫૦૦, ૬૬ (એ), આઈટી એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે, એમ વેસ્ટર્ન રિજન સાયબર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
ફરિયાદ મુજબ ફેસબુક પર એક વીડિયો ક્લિપ ફરતી કરવામાં આવી હતી. એમાં ફેરબદલ કરીને સચિનના અવાજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે ઈન્ટરવ્યુ સચિને ઘણા વર્ષો પહેલાં આપ્યો હતો. ડીપફેક વીડિયોમાં ભૂતપૂર્વ દિગ્ગજ બેટ્સમેન તેંલુડકરને ગેમિંગ એપ્લીકેશનનો પ્રચાર કરી રહ્યો હતો.
ડીપ ફેકમાં એવી છાપ ઊભી કરવાનો પણ પ્રયાસ કર્યો હતો કે તેંડુલકર અને તેની પુત્રી સારાએ ચોક્કસ ઓનલાઈન ગેમ રમીને મોટી રકમ જીતી હતી.
ફરિયાદ મુજબ વીડિયો એડીટ કરીને ફેસબુક પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેંડુલકરના હાવભાવ અને અવાજની નકલ કરવા માટે ડીપ ફેક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ તબક્કે પોલીસે ગેમિંગ સાઈટ અને ફેસબુક પેજ યુઝર વિશે વિગતો જણાવી નથી. તેંડુલકરે પોતે જ તેના ઓફિશિયલ એક્સ હેન્ડલ પર ફેક વીડિયો માટે ટેકનોલોજીનો દુરુપયોગ ગણાવ્યો હતો. તેણે ભારપૂર્વક કહ્યું હતું કે આ વીડિયો નકલી છે. ટેકનોલોજીનો બેફામ દુરુપયોગ જોતા અસ્વસ્થ છે.
લોકોને આવા વીડિયો, જાહેરાતો અને એપ્સની જાણ કરવાની તેંડુલકરે એક્સ હેન્ડલ પર અપીલ કરી હતી. ખોટી માહિતી અને ડીપ ફેક્સના ફેલાવાને રોકવા ઝડપી કાર્યવાહી કરવી જરૃરી છે એમ સચિને વધુમાં કહ્યું હતું.