અંધેરીના નાળામાં મહિલા ડૂબી જતા બીએમસી અને કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ
પતિ બીમાર હોવાથી કમાઈને ઘર ચલાવતી મહિલાએ જીવ ગુમાવ્યો
મૃતક વિમલ ગાયકવાડના પતિની ફરિયાદના આધારે ગુનો નોંધાયો; પાલિકાએ તપાસ માટે 3 સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિ નીમી
મુંબઇ : મુંબઇમાં બુધવારે પડેલા ભારે વરસાદ વચ્ચે અંધેરીમાં એક ખુલ્લા નાળામાં પડીને મરી જવાથી વિમલ અનિલ ગાયકવાડ (૪૫) નામની એક મહિલાનું મોત થયું હતું. આ ઘટના બાદ મૃતક વિમલના પતિ અનિલ ગાયકવાડની ફરિયાદ બાદ પોલીસે બીએમસી અને કોન્ટ્રાક્ટર સામે બેદરકારીનો ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.
બીએમસીએ પણ આ પ્રકરણને ગંભીરતાથી લઇ આ ઘટનાની તપાસ માટે ત્રણ સભ્યોની એક ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવી છે.
આ સંદર્ભે મૃતકના પતિએ પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ મૃતક વિમલ પરિવારની એક માત્ર કમાઉ સભ્ય હતી. 'હું એક બીમાર માણસ છું, મારી પત્ની જ મારા ઘરની સંભાળ રાખતી હતી. અને તેના મૃત્યુથી સર્વસ્વ ગુમાવ્યું છે. હું ઇચ્છુ છુ કે આ કેસમાં જે પણ વ્યક્તિ દોષિત અને બેદરકાર હોય તેને સજા મળવી જ જોઇએ. અમે એફઆઇઆર નોંધાવી છે અને અમને યોગ્ય ન્યાય મળશે તેવી આશા છે.
આ ઘટના બાબતે બેદરકારીના આરોપોનો સામનો કરતી પાલિકાએ કહ્યું હતું કે તેણે ડેપ્યુટી કમિશનરની આગેવાની હેઠળ ત્રણ સભ્યોની એક સમિતિની રચના કરી છે. અને ત્રણ દિવસમાં આ ઘટના અંગે રિપોર્ટ માંગ્યો છે. આ બાબતે એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે ત્રણ સભ્યોની બનેલી એક ઉચ્ચસ્તરીય તપાસ સમિતિ ઝોન-૩ના ડેપ્યુટી કમિશનર દેવી દાસ ક્ષીરસાગર સમિતિની અધ્યક્ષતા હેઠળ બનાવવામાં આવી છે જેના ચીફ ફાયર ઓફિસર રવિન્દ્ર અંબુલગેકર અને ચીફ એન્જિનિયર (વિજિલન્સ) અવિનાશ તાંબે સભ્યો હશે. કમિટીને ત્રણ દિવસમાં અહેવાલ આપવા જણાવાયું છે.
બુધવારે રાત્રે ૯.૨૦ કલાકે ભારે વરસાદ વચ્ચે આ દુર્ઘટના અંધેરી એમઆઇડીસીના ગેટ નં. આઠ પાસે બની હતી જેમા ત્યાંથી પસાર થઇ રહેલ વિમલ ઓવરફ્લો થતા નાળામાં પડી ગઇ હતી. ત્યારબાદ ફાયરબ્રિગેડે તેને બહાર કાઢી હતી. કૂપર હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી જ્યાં ડોક્ટરોએ તેને મૃત ધોષિત કરી હતી.
પ્રભાદેવીની ઘટનાનું પુનરાવર્તન
ે થોડાક વર્ષો પહેલાં પ્રભાદેવી (એલ્ફિસ્ટન્ટ) સ્ટેશન પાસે સ્ટોમ વોટર ડ્રેનેજની પાઈપ પરની ઢાંકણ ખુલ્લું હતું. તે વેળા મૂશળધાર વરસાદમાં ત્યાં પાણી ભરાતા એક ડોક્ટર તેમાં પડી જતાં તેઓ મૃત્યુ પામ્યા હતા. આ ઘટના બાદ પાલિકા માથે પસ્તાળ પડી હતી. જોકે, હવે ફરી તેવી ઘટનાનું પુનરાવર્તન થયું છે.