કોવિડ કૌભાંડમાં આદિત્યના નિકટવર્તી રાહુલ ગોમ્સ સામે ગુનો દાખલ
આદિત્ય ઠાકરેના સહયોગી પર ૩૭ કરોડના કૌભાંડનો આરોપ
કોવિડ સેન્ટરો માટે જંગી ભાડું મેળવ્યું, ખોટા બિલો બનાવ્યાં:પાલિકા અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરોની મીલીભગતથી કૌભાંડ
મુંબઇ : કોવિડ સેન્ટર ચલાવવાના કથિત કૌભાડમાં મુંબઇ પોલીસે શિવસેના (યુબીટી) નેતા આદિત્ય ઠાકરેના નજીકના સાથીદાર રાહુલ ગોમ્સ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. મુલુંડ, દહિસરમાં કોરોના સમય દરમિયાન બનાવવામાં આવેલા કોવિડ સેન્ટરમાં કથિત નાણાકીય અનિયમિતતાના સંબંધમાં આર્થિક ગુના શાખાએ એફઆઇઆર નોંધી છે.
પોલીસે રૃા. ૩૭ કરોડના કૌભાંડમાં બીએમસી કોન્ટ્રાક્ટર રાહુલ ગોમ્સની ઓક્સ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી પ્રાઇવેટ લિમિટેડ કંપની, તેના વેન્ડર્સ, અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અજાણ્યા અધિકારીઓ સામે કલમ ૪૦૬, ૪૦૯, ૪૨૦ અને ૧૨૦ (બી) હેઠળ ગુનો દાખલ કરાયો છે.
એવો આરોપ છે કે ઓક્ટોબર ૨૦૨૦થી ઓગસ્ટ ૨૦૨૨ સુધી ઘણા કોવિડ સેન્ટર માટે ભાડા તરીકે મોટી રકમ લેવામાં આવી હતી. અને ખોટા બિલો દ્વારા નાણાકીય ગેરરીતિઓ કરવામાં આવી હતી. કોન્ટ્રાક્ટરો અને બીએમસી અધિકારીઓએ સાથે મળીને આ કૌભાંડ કર્યું હોવાનું કહેવાય છે. આ કૌભાંડને કારણે સરકારને લગભગ રૃા. ૩૭ કરોડનું નુકસાન થયું હતું.
ઇકોનોમિક ઓફેન્સ વિંગ ટુંક સમયમાં બીએમસીના અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો, વેન્ડર્સની પૂછપરછ કરી શકે છે. આરોપી રાહુલ ગોમ્સની કંપનીએ કોવિડ કેન્દ્રો માટે બેડ, પંખા, ટેન્ટ અને અન્ય ઘણી સામગ્રી પૂરી પાડી હતી. તેની કંપનીએ દહિંસર, વર્લી, એમએમઆરડીએ, મુલુંડ અને બીકેસી પાર્ટ-૨માં કોવિડ સેન્ટર ચલાવવા માટે સામાન સપ્લાય કર્યો હતો.
અગાઉ જુલાઇ, ૨૦૨૩માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ રાહુલના ઘર પર દરોડા પાડયા હતા. આમ હવે ઇડી પણ આ કેસમાં મની લોન્ડરિંગ એંગલથી તપાસ શરૃ કરી શકે છે. કોરોના દરમિયાન થયેલા કરોડો રૃપિયાના કૌભાંડમાં મુંબઇના માજી મેયર કિશોરી પેડણેકર સહિત અનેક નેતાની પૂછપરછ તથા અન્યની ધરપકડ થઇ છે.