રીલ બનાવતા કાર ખીણમાં પડી જતા યુવતીના મોતમાં મિત્ર સામે ગુનો દાખલ

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
રીલ બનાવતા કાર ખીણમાં પડી જતા યુવતીના મોતમાં મિત્ર સામે ગુનો દાખલ 1 - image


ડ્રાઈવિંગ લાયસન્સ વિશે ચકાસણી કર્યા વિના કાર ચલાવવા આપી હતી

મિત્રએ હત્યાનું કાવતરુ ઘડયું હોવાનો મૃતક શ્વેતાની પિતરાઈ બહેનનો આરોપઃ શ્વેતાએ ક્યારેય કોઈ રીલ બનાવી જ નથી

મુંબઈ :  મોબાઈલ ફોનમાં વીડિયો શૂટ કરી રીલ બનાવતી વખતે કાર ખીણમાં પડી જતા યુવતીના મોત નિપજવાના મામલામાં છત્રપતિ સંભાજીનગર પોલીસે તેના મિત્ર વિરુધ્ધ કેસ નોંધ્યો છે, એમ એક અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું. બીજી તરફ મૃતકની પિતરાઈ બહેને આરોપ કર્યો હતો કે મિત્રએ આ યુવતીની હત્યાનું કાવતરું ઘડયું હતું. પોલીસ દરેક એંગલથી આ કેસની તપાસ કરી રહી છે. 

પોલીસે સૂરજ મુળે (ઉં.વ.૨૫)ને તેની ફ્રેન્ડ શ્વેતા સુરવસે (ઉં.વ.૨૩)ના મોત માટે જવાબદાર ઠેરવીને કલમ ૩૦૪ (એ) હેઠળ કેસ નોંધ્યો છે. યુવતીની પાસે ડ્રાઈવીંગ લાઈસન્સ છે કે નહીં તે  જાણ્યા વિના સૂરજે તેને કારની ચાવીઓ આપી દીધી હોવાનો આરોપ છે.

છત્રપતિ સંભાજીનગરમાં સુલીભંજમ વિસ્તારમાં  રહેતી શ્વેતા તેના મિત્ર સૂરજ સાથે રિલ્સ બનાવવા ગઈ હતી. તેની કાર રિવર્સ ગિયરમાં હતી. ત્યારે તેણ ેભૂલમાં એક્સીલેટર દબાવી દીધું હતું. આ દરમિયાન સૂરજ મોબાઈલ ફોનમાં તેનો વીડિયો શૂટ કરવામાં મશગૂલ હતો. ત્યારે કાર રિવર્સ જઈ ખીણમાં પડી ગઈ હતી. કારમાંથી બહાર કાઢીને શ્વેતાને બચાવવા રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ કારસુધી પહોંચવામાં એક કલાક લાગ્યો હતો. શ્વેતાને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.

ખુલ્તા બાદ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે 'આ મામલામાં સૂરજ સામે ગુનો દાખલ કર્યો છે. અમે કાયદાની માર્ગદર્શિકા મુજબ આરોપીને નોટિસ જારી કરીશું.

શ્વેતાની પિતરાઈ બહેન પ્રિયંકાએ આરોપ લગાવ્યો છે કે 'આરોપીએ શ્વેતાની હત્યાનું કાવતરું ઘડયું હતું. આથી તે શ્વેતાને દૂર લઈ ગયો હતો. શ્વેતાએ ક્યારેય કોઈ રિલ બનાવી નથી કે તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ પોસ્ટ કરી નથી.



Google NewsGoogle News