ફાઈવ સ્ટાર હોટલમાં બાળકી પર ચા ઢોળાતાં વેઈટર સામે કેસ

Updated: Oct 1st, 2023


Google NewsGoogle News
ફાઈવ સ્ટાર હોટલમાં બાળકી પર ચા ઢોળાતાં વેઈટર સામે કેસ 1 - image


- સાત વર્ષીય માસૂમ બાળકી ગરમ ચાથી દાઝી ગઈ

- અંધેરીની ડે ડબલ્યૂ મેરિયેટમાં બાળકી દાઝી જવાથી ચીસ  પાડતાં વેઈટરે તેને ખખડાવી હોવાનો આક્ષેપ

મુંબઇ : માતા-પિતા સાથે અંધેરી નજીક ફાઇવસ્ટાર હોટેલમાં નાસ્તો કરવા ગયેલી સાત વર્ષીય બાળકી પર કથિત રીતે  ચા ઢોળવા બદલ વેઇટર સામે કેસ નોંધવામાં આવ્યો છે. બાળકી હાથ પર દાઝી જતા હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.

સહાર પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૩૭ હેઠળ વેઇટર મોનાલિસા  બાસુમતી સામે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.

એફઆઇઆર મુજબ ૫૦ વર્ષીય નિશાંત જૈને ૨૪ સપ્ટેમ્બર જે.ડબલ્યુ મેરિયોટ હોટેલમાં એક રૂમ બુક કર્યો હતો. તેમની સાથે પત્ની અને બે પુત્રી સાત  વર્ષીય માયરા, ૧૪ વર્ષીય સારા પણ હતી.

જૈન પરિવાર ૨૯ સપ્ટેમ્બરના  હોટેલની રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા ગયો હતો. ત્યારે મોનાલિસા બાસુમતી નામની વેઇટર ગરમ ચાની કીટલી ટ્રેમાં લઇને જઇ રહી હતી. તે સમયે માયરા સાથે ટકરાઇ હતી. જેના કારણે તેના ડાબા હાથ પર ચા ઢોળાઇ ગઇ હતી. આ બાળકી દાઝી ગઇ હતી. તે પીડાથી જોરજોરથી રડવા લાગી હતી. ત્યારે બાસુમતીએ તેને શાંત રહેવા અને કોઇને બનાવની જાણ ન કરવા કહ્યું હતું.

આ ઘટના પછી તરત જ જૈન તેની પુત્રીને હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ડૉકટરે તે છ થી સાત ટકા દાઝી ગઇ હોવાનું જણાવ્યું હતું.

ડોકટરે તેને સારવાર આપી હતી. બાદમાં જૈન પરિવાર માયરાના દાદાને મળવા થાણે ગયો હતો. ૭૨ વર્ષીય દાદા વિલાસચંદ્ર પરિવારે શુક્રવારે સહાર પોલીસ સ્ટેશનમાં વેઇટર વિરૂદ્ધ ફરિયાદ કરી હતી.

આ ઘટના નજરે જોનારા એક વિદેશી જણાવ્યું હતું કે માયરા પર ગરમ ચા ઢોળાઇ ગયા પછી વેઇટર બૂમો પાડી તેને ઠપકો આપ્યો હતો.

બાળકીના દાદાએ હોટલના મેનેજરનું નામ પણ એફઆઇઆરમાં  દાખલ કરવાની વિનંતી કરી હતી.


Google NewsGoogle News