પુણેની હોસ્ટેલમાં આગમાં કેરટેકરનું મોત, 40 વિદ્યાર્થિનીઓનો બચાવ
મધરાતે ભર ઉંઘમાં રહેલા કેરટેકરને ભાગવાનો મોકો ન મળ્યો
ખાનગી ઈન્સ્ટિટયૂટમાં જ્યાં વર્ગો લેવાતા હતા ત્યાં જ ઉપર હોસ્ટેલના રુમ બનાવી દેવાયા હતા
મુંબઇ : પુણેના સદાશિવ પેઠ વિસ્તારની એક ખાનગીગર્લ્સ હોસ્ટેલમાં ગુરૃવારે મધરાતે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગમાં કેરટેકરનું મોત થયું હતું જ્યારે ફાયર બ્રિગેડે હોસ્ટેલમાં હાજર ૪૦ વિદ્યાર્થિનીઓને બચાવી લેવાઈ હતી.
આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર પુણેના સદાશિવ પેઠ વિસ્તારના બેરિસ્ટર ગાડગીલ રસ્તા પર નિલયા નામની એક ખાનગી ઇન્સ્ટિટયૂટ આવેલી છે. આ ઇન્સ્ટિટયૂટની પાંચ માળની ઇમારતમાં અમૂક વર્ગોમાં લેકચર લેવામાં આવે છે. જ્યારે અમૂક રુમોમાં બહાર ગામથી અભ્યાસ માટે આવતી વિદ્યાર્થિનીઓ માટે હોસ્ટેલ બનાવવામાં આવી છે. ગુરૃવારે મોડી રાત્રે દોઢ વાગ્યે ગર્લ્સ હોસ્ટેલ ખાતે ે અચાનક આગ ફાટી નીકળી હતી.
આ આગ તરત જ અન્ય જગ્યાઓમાં ફેલાઇ ગઇ હતી. જોકે આ બાબતની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયર બ્રિગેડની ટીમ ત્રણ બંબા, વોટર ટેન્કર, રેસ્ક્યુ વેન, એમ્બ્યુલસન્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જવાનોએ પાણીનો જોરદાર મારો ચલાવી અડધા કલાકમાં આગ પર નિયંત્રણ મેળવી લીધું હતું. આ દરમિયાન હોસ્ટેલમાં હાજર ૪૦ થી ૪૨ વિદ્યાર્થિનીઓનો તાત્કાલિક બચાવ કરી તેમને ઘટનાસ્થળેથી સલામત સ્થળે ખસેડવામાં આવી હતી.
આગની આ દુર્ઘટનામાં હોસ્ટેલના કેરેકટર રાહુલ કુલકર્ણીનું મોત થયું હતું. કુલકર્ણી રાત્રે ભરઉંઘમાં હતા અને તેમને બહાર આવવાનો મોકો જ મળ્યો નહોતો. આગની આ ઘટનામાં હોસ્ટેલમાં રાખવામાં આવલી શૈક્ષણિક સામગ્રી બળીને ખાખ થઇ ગયું હતું. આ ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચાધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આગનું ખરું કારણ જાણી શકાયું નહોતું.