બ્રિજ પરથી કાર નીચે માલગાડી પર ખાબકી, 3નાં મોત

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
બ્રિજ પરથી કાર નીચે  માલગાડી પર ખાબકી,  3નાં મોત 1 - image


કર્જત પાસે આરપીઆઈ કાર્યકરોને અકસ્માત

વહેલી પરોઢના અકસ્માતમાં 2 ઘાયલઃ 4 કલાક ટ્રેક બંધ રહ્યો, ટ્રેન વ્યવહારને અસર

મુંબઇ :  કર્જત અને પનવેલ રેલવે સ્ટેશન વચ્ચે આજે વહેલી સવારે દોડતી માલગાડી પર બ્રીજ પરથી કાર પડતા ત્રણ જણ કાળનો કોળીયો બની ગયા હતા જ્યારે બે ઘાયલ થયા હતા. આ દુર્ઘટનાને લીધે ટ્રેન વ્યવહાર ખોરવાઇ ગયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

પનવેલ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ માહિતી આપી હતી કે આ અકસ્માત સવારે  ૩.૩૦થી ૪.૦૦ વાગ્યાની વચ્ચે થયો હતો. મુંબઇ - પનવેલ રોડ પરથી કાર નેરલ તરફ જઇ રહી હતી.

મૃતકોની ઓળખ ધર્માનંદ ગાયકવાડ (ઉં.વ.૪૧), તેના સંબંધી મંગેશ જાધવ (ઉં.વ. ૪૬), નીતિન જાધવ (ઉં.વ.૪૮) તરીકે થઇ છે. મૃતક ગાયકવાડ રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આરપીઆઇ)નો કાર્યકર હતો. સ્થાનિક પોલીસ મામલાની વધુ તપાસ કરી રહી છે.

માલવાહક ટ્રેન રાયગઢ જિલ્લાના પનવેલથી કર્જત તરફ જઇ રહી હતી. અકસ્માતને કારણે કારને ભારે નુકસાન થયું હતું, એમ સેન્ટ્રલ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી ડો. શિવરાજ માનસપુરેએ જણાવ્યું હતું. આ બનાવ બાદ સવારે ૩.૪૩થી ૭.૩૨ વાગ્યા સુધી સેન્ટ્રલ રેલવેનો પનવેલ- કર્જતનો ટ્રેન વ્યવહાર બંધ હતો. દુર્ઘટનાને પગલે માત્ર એક ટ્રેન હુબલ્લી- દાદર એક્સપ્રેસને કર્જત- કલ્યાણ રૃટ પરથી ડાયવર્ટ કરવામાં આવી હતી.



Google NewsGoogle News