શિખાઉ ચાલકે ભૂલથી એક્સીલેટર દબાવતાં કાર કૂવામાં ખાબકી, 3નાં મોત
મૃતકોમાં બે સગા ભાઇઓનો સમાવેશ
નગાપુરના યુવકે કાર ખરીદ્યા પછી તેના ભાઈ તથા મિત્રને શીખવાડતો હતો, બીજા દિવસે જાણ થઈ
મુંબઇ - નાગપુરમાં નવી કાર શીખવા ગયેલા બે સગાભાઇ અને તેમના એક મિત્રનું કાર કૂવામાં ખાબકવાથી મોત થયું હતું. કાર શીખવા દરમિયાન ભૂલથી બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાઇ જવાથી કાર પાસેના એક કૂવામાં ખાબકી હતી જેમાં કારમાં સવાર ત્રણેયનું મોત થયું હતું. આ ઘટના નાગપુરના બુટીબોરી વિસ્તારના બાલભારતી મેદાન પાસે સોમવારે મોડી રાત્રે બની હતી. પોલીસે આજે સવારે ત્રણેય યુવકોના મૃતદેહ કૂવામાંથી બહાર કાઢયા હતા.
આ બાબતે માધ્યમોને વધુ વિગત આપતા બુટીબારી પોલીસ મથકના અધિકારી પ્રતાપ ભોલસેએ જણાવ્યું હતું કે બુટીબોરી વિસ્તારમાં રહેતા સુરજ ચવ્હાણ (૩૪) નામના યુવકે નવી કાર ખરીદી હતી. સુરજને કાર ચલાવતા આવડતી હતી પણ તેણે તેના નાનાભાઇ સાજન ચવ્હાણ (૨૭) અને મિત્ર સંદિપ ચવ્હાણ (૨૭)ને કાર શીખવવાનું આશ્વાસન આપ્યું હતું. તે મુજબ સોમવારે રાત્રે સાડા દસ વાગ્યા બાદ ત્રણેય કાર લઇ બાલભારતી મેદાન વિસ્તારમાં આવ્યા હતા. આ સમયે મેદાનમાં કોઇ ન હોવાથી સુરજે તેના નાનાભાઇ સાજનને કાર શીખવા આપી હતી અને તે ડ્રાઇવરની બાજુની સીટમાં બેસી ગયો હતો.
સાજનને કાર ચલાવતા આવડતી ન હોવાથી સુરજ તેને કાર ચલા વવાનું શીખવી રહ્યો હતો. આ દરમિયાન કાર પાસેના એક સમથળ કૂવ ાની દિશા ભણી જતી નજરે પડતા સુરજદે કાર થોભાવવા સાજનને બ્રેક મારવા કહ્યું હતું. જો કે તેણે ભૂલથી બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાવી દેતા કાર પૂર ઝડપે કૂવામાં ખાબકી હતી. કૂવો પાણીથી છલોછલ ભરેલો હોવાથી સંપૂર્ણ કાર અંદર ડૂબી ગઇ હતી. આ ઘટનામાં ત્રણેય યુવકોનું મોત થયું હતું.
આ ઘટના બની ત્યારે મેદાનમાં કોઇ હાજર ન હોવાથી કોઇને આ ઘટના વિશે જાણ થઇ નહોતી. આજે સવારે આ બાબતની જાણ એક યુવકને થતા તેણે પોલીસને આ વાતની જાણ કરી હતી. ત્યારબાદ ફાયરબ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી. પાણીથી છલોછલ ભરેલા કૂવામાંથી કાર કાઢવી સરળ ન હોવાથી ંમોટરની મદદથી કૂવાનું પાણી ખાલી કરવામાં આવ્યા બાદ ત્રણેય યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી બુટીબોરી પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.