સાંગલી પાસે કાર પુલ પરથી કૃષ્ણા નદીમાં ખાબકી : 3નાં મોત
લગ્ન પ્રસંગેથી પાછા ફરતા પરિવારને રાતે અકસ્માત
પતિ-પત્નીએ જીવ ગુમાવ્યોઃ 1 બાળક સહિત ત્રણને ગંભીર ઈજાઃ આ સ્થળે વારંવાર આાવા અકસ્માત
મુંબઈ : પશ્ચિમ મહારાષ્ટ્રના સાંગલીમાં બનેલા એક અકસ્માતમાં ત્રણ જણનાં મોત થયા હતા. બુધવારે મોડી રાત્રે એક વાગ્યે કૃષ્ણા નદીના અંકલી પુલ પરથી એક કાર નદીમાં ખાબકતા ત્રણ જણના મોત થયા હતા. મૃતકોમાં બે મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે.
સાંગલીમાં રહેતા ખેડેકર અને નાર્વેકર પરિવારના સભ્યો કોલ્હાપુરમાં એક લગ્ન સમારંભમાં હાજરી પૂરાવી પાછા ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.
આ સંદર્ભે વધુ વિગત આપતા એક અધિકારીએ જણાવ્યું હતું કે સાંગલીમાં રહેતા ખેડેકર અને નાર્વેકર પરિવારના સભ્યો કોલ્હાપુરમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપી રાત્રે એક વાગ્યે અહીંના કૃષ્ણા નદીના અંકલી પુલ પરથી થઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે એકબીજાને અડીને આવેલ જૂના અને નવા પુલ પાસે કારના ડ્રાઈવરે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો.
આ દરમિયાન પૂરપાટ વેગમાં કાર બેકાબૂ બની બે પુલ વચ્ચેથી નીચે નદીના પટમાં ખાબકી હતી. આ અકસ્માતમાં પ્રસાદ ભાલચંદ્ર ખેડેકર (૪૦) પ્રેરણા પ્રસાદ ખેડેકર (૩૫) અને વૈષ્ણવી સંતોષ નાર્વેકર (૨૩)ના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે સાક્ષી સંતોષ નાર્વેકર (૪૨) વરદ સંતોષ નાર્વેકર (૨૧) અને સમરજીત પ્રસાદ ખેડેકર (૫)ને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ તમામ લોકો સાંગલી આકાશવાણી કેન્દ્ર પાસે આવેલા ગંગાધર નગરના રહેવાસી છે.
આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક નાગરિકો અને જયસિંગપુર પોલીસના જવાનો ઘટનાસ્થળે ધસી ગયા હતા અને જખ્મીઓને વધુ ઉપચાર માટે સાંગલીની સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.
આ ઉપરાંત પોલીસ અને પ્રશાસને મૃતકોના મૃતદેહ બહાર કાઢયા હતા. આ જગ્યાએ અત્યાર સુધીમાં આવી ત્રણથી ચાર ઘટનાઓ બની હોવા છતાં પ્રશાસન તરફથી કોઈ ઉપાય યોજના કરવામાં આવતી નથી.