નવાં વર્ષે દેવદર્શને ગયેલા પરિવારની કારને અકસ્માતઃ 4નાં મોત
સોલાપુર હાઈવે પર ઊભેલી ટ્રક સાથે કાર અથડાઈ
મૃતકોમાં 2 બાળકો અને 1 મહિલા સામેલઃ હાઈવે પર 2 કલાક સુધી ટ્રાફિક ખોરવાયો
મુંબઈ - રાજ્યભરમાં નવા વર્ષનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. નવા વર્ષના દિવસે ઘણા લોકો મંદિરે દેવ દર્શન માટે જતા હોય છે. ત્યારે સોલાપુર - ધુલે હાઈવે પર નવા વર્ષના પહેલા જ દિવસે મંદિર દેવદર્શન માટે ગયેલા એક પરિવારની કાર હાઈવે પર ઉભેલ ટ્રક સાથે અથડાતા ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે બાળકો સહિત ચારનું મોત નીપજ્યું હતું. તો મહિલા સહિત અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા હતા.
વિગત મુજબ, નવા વર્ષના પહેલા દિવસે મંદિરે દેવ દર્શન કરવા માટે નીકળેલા ભક્તોને અકસ્માત નડયો હતો. જેમાં બપોરે ૧ વાગ્યાની આસપાસ બીડથી સંભાજીનગર જઈ રહેલ સ્કોર્પિયો કારે હાઈવે પર ઉભેલ ટ્રક સાથે અથડાઈ હતી.
આ ટક્કર એટલી જોરદાર હતી કે, કારમાં સવાર ૪૮ વર્ષીય અનિતા કુંટે, ૪૭ વર્ષીય ભગવત ચોરે, ૧૩ વર્ષીય સૃષ્ટિ ચોરે અને ૧૧ વર્ષીય ભાગવત ચોરેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તો કાર ચાલક પરશુરામ કુંટે અને છાયા ચોરે જે આગળની સીટમાં સવાર હતી. બંને આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ ઘાયલોને તરત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા. તો પોલીસે ચારમાંથી ત્રણ મૃતકો એક જ પરિવારના હોવાની પૃષ્ટિ કરી હતી. આ તમામ મૃતકો નાંદેડના રહેવાસી હતા.
પોલીસના જણાવ્યા મુજબ, અક્કલકોટ શ્રી સ્વામી સમર્થના દર્શન કરીન ે તમામ ભક્તો છત્રપતિ સંભાજી નગર પરત ફરી રહ્યા હતા. આ સમયે ટ્રક આંબડના મહાકાલ ગામમાં ટેકનિકલ ખામી સર્જાતા હાઈવે પર જ અટકી ગયો હતો. જેમાં સ્કોર્પિયો કાર ચાલકે કાર પરનો કાબુ ગુમાવતા હાઈવે પર ઉભેલા ટ્રક સાથે અથડાયી હતી. આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
તો અકસ્માતને કારણે સોલાપુર - ધૂળે હાઈવે પર બે કલાક સુધી ટ્રાફિક ખોરવાયો હતો. આ બાદ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમે કામગીરી કરતા ટ્રક અને અસરગ્રસ્ત કારના કાટમાળને હાઈવે પરથી દૂર કરતા બે કલાક બાદ પોલીસે ફરી હાઈવે પરનો ટ્રાફિક સરળ બનાવ્યો હતો. પોલીસે આ મામલે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.