એરપોર્ટ પર રૂ.1.30 કરોડનું સોનું ભરેલી કેપ્સ્યુલ પ્રાઈવેટ પાર્ટમાં છુપાવીને દાણચોરી
કસ્ટમ્સ વિભાગે મીરારોડના દંપતીની ધરપકડ કરી
સાઉદી અરેબિયાથી સોનાની સ્મગલિંગ કરવા રૂ.૨૫ હજાર મળ્યા હતા
મુંબઈ: મુંબઈ નજીક મીરારોડમાં રહેતા દંપતીની એરપોર્ટ પરથી કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ રૂ.૧.૩૦ કરોડના સોનાની દાણચોરીના આરોપમાં ધરપકડ કરી છે. તેમણે બે કિલો ૬૦૦ ગ્રામ સોનું કેપ્સ્યુલમાં ભરીને પ્રાઈવેટ પાર્ટમાં છુપાવી દીધું હતું. સોનાની સ્મગલિંગ માટે દંપતીને રૂ.૨૫ હજાર મળ્યા હતા. આરોપીને આ સોનું કોણે આપ્યું હતું એની તપાસ ચાલી રહી છે.
મીરારોડમાં રહેતા મોઈસ અદનાનવાલા અને જબીના અદનાનવાલા સાઉદી અરેબિયાના જેદાહથી મુંબઈ એરપોર્ટ પર આવ્યા હતા. ત્યારે કસ્ટમ્સ વિભાગના અધિકારીઓને તેમની વર્તણૂંક શંકાસ્પદ લાગી હતી.
આ દંપતી ગ્રીન ચેનલમાંથી પસાર થઈ રહ્યું હતું. તે સમયે અધિકારીઓએ તેમને પૂછપરછ માટે રોક્યા હતા. દરમિયાન દંપતીએ પ્રાઈવેટ પાર્ટમાં સોનું ભરેલી ચાર કેપ્સ્યુલ છુપાવી હોવાનું કબૂલ્યું હતું.
આથી તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તબીબી સારવાર બાદ બંનેના શરીરમાંથી આ કેપ્સ્યુલ બહાર કાઢવામાં આવી હતી. તેમણે સોનાની દાણચોરી પોતાને માટે કરી ન હોવાનું અધિકારીઓને કહ્યું હતું. સોનાની સ્મગલિંગ માટે રૂ.૨૫ હજાર મળ્યા હોવાનો દાવો કર્યો હતો.