2 વર્ષનું ટ્રાન્ઝિટ ભાડું ન આપે તેવા બિલ્ડરોને મંજૂરી રદ કરો

Updated: Sep 28th, 2023


Google NewsGoogle News
2 વર્ષનું ટ્રાન્ઝિટ ભાડું ન આપે તેવા બિલ્ડરોને મંજૂરી રદ કરો 1 - image


બિલ્ડરો દ્વારા ઉલ્લંઘનથી હાઈકોર્ટ ભારે નારાજે

સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી ઝૂપડાંવાસીઓના હિતોનું જતન નહીં કરતી હોવાનું જણાવી તેની એફિડેવિટની અધૂરી વિગતોની ઝાટકણી 

 મુંબઈ :  મહારાષ્ટ્ર ઝૂંપડપટ્ટી વિસ્તાર (સુધારા, મંજૂરી અને પુનર્વિકાસ) કાયદાની યોજના હેઠળ જણાવ્યા અનુસાર ઝૂંપડાંવાસીઓના હિતની રક્ષા કરવા એસઆરએ દ્વારા પુરતા પગલાં લેવાઈ રહ્યા નથી, એમ બોમ્બે હાઈ કોર્ટે જણાવ્યું હતું. કોર્ટે જણાવ્યું હતું કે બે વર્ષનું ટ્રાન્સિટ ભાડું એડવાન્સમાં જમા કરવાની શરત હોવા છતાં તેનો અમલ કડકાઈથી થતો નથી. આવી શરતોનું પાલન થાય નહીં ત્યાં સુધી કોઈ ડેવલપરને પરવાનગી મળવી જોઈએ નહીં.

એસઆરએ દ્વારા દાખલ કરાયેલા અપૂરતા સોગંદનામાને લઈને નારાજગી વ્યક્ત કરીને હાઈ કોર્ટે એસઆરએની સંબંધીત ઓથોરિટીને હકીકત અને આકંડાઓ દર્શાવતું વ્યવસ્થિત સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

ડેવલપર દ્વારા પાત્ર ઝૂંપડાંધારકોને ટ્રાન્સિટ ભાડું નહીં ચૂકવાતું હોવાને મુદ્દે વિજેન્દ્ર રાઈ નામના વકિલે કરેલી જનહિત અરજીની સુનાવણી ચાલી રહી હતી. અરજીમાં ઓમકાર રિઅલ્ટર્સ એન્ડ ડેવલપર્સ પ્રા. લિ.ના ૧૭ પ્રોજેક્ટો પર ધ્યાન દોરવામાં આવ્યું હતું.

એસઆરએની ઓથોરિટીઓ પાસે પુરતી યંત્રણાઓ છે જેનાથી ઝૂંપડાંવાસીઓ અને અન્યોના હિતની રક્ષા કરી શકાય છે પણ પુરતા પગલાં લેવાતા નથી. એસઆરએએ જે બાબતમાં સૌથી વધુ ધ્યાન  ભાડાની ચૂકવણી નહીં થતી હોવા પર  અને આ સંબંધી ફરિયાદોનો નિર્ધારીય સમયમાં નિકાલ કરવા પર આપવાની જરૃર છે. એસઆરએની આવી નિષ્ક્રિયતા માન્ય કરી શકાય નહીં. કોર્ટે પહેલી નવેમ્બર પર સુનાવણી રાખી છે.

એસઆરએએ સોગંદનામામાં કબૂલ કર્યું છે કે સુમારે ૧૫૦ એસઆરએસ પ્રોજેક્ટમાં  ટ્રાન્સિટ કેમ્પના રૃ. ૭૪૧.૭૮ કરોડનું ભાડું ચૂકવાયું નહોવાનું બહાર આવ્યું છે. આમાંથી ૧૨૨.૫૦ કરોડ વસૂલ કરાયા છે. ભાડૂં નહીં ચૂકવનારા ડેવલપરોની યાદી અખબારોમાં અપાઈ હતી. આવા ૧૨ ડેવલપરોને યોજનામાંથી કાઢી નાખવામાં આવ્યાની માહિતી સોગંદનામમાં અપાઈ હતી. ભાડા વસૂલી માટે એસઆરએએ શું પગલાં લીધા તેની માહિતી અપાઈ નહીં હોવાનું નોંધીને કોર્ટે અપૂર્ણ માહિતી હોવાનું જણાવ્યું હતું.



Google NewsGoogle News