Get The App

ટિકિટના કાળાબજારની પ્રથા સામે પોલીસ પાસે જઈ શકાય છેઃ હાઈકોર્ટે

Updated: Jan 3rd, 2025


Google NewsGoogle News
ટિકિટના કાળાબજારની પ્રથા સામે પોલીસ પાસે જઈ શકાય છેઃ હાઈકોર્ટે 1 - image


નીતિ ઘડવાનું મૂળ કામ સરકારનું હોવાની નોંધ

હાઈકોર્ટે કોન્સર્ટની ટિકિટોના કાળાબજાર અટકાવવા માટેની જનહિત અરજી પર ચુકાદો બાકી રાખ્યો

મુંબઈ -  કોન્સર્ટ અને અન્ય કાર્યક્રમો માટેની ઓનલાઈન ટિકિટના કાળા બજાર સામે નિયમાવલીની દાદ માગતી જનહિત  અરજી પર આદેશ બાકી રાખીને બોમ્બે હાઈકોર્ટે મૌખિક રીતે આજે નિરીક્ષણ કર્યું હતું કે અરજીમાં એવી વસ્તુની દાદ માગી  છે જે ન્યાયતંત્ર નહિ પરંતુ સરકારી તંત્રનું કામ છે. 

કોર્ટે જણાવ્યું હતું કે તમે સરકારને એવા નિર્દેશ આપવાનું કહી રહ્યા છો,જેમાં આવી બાબતો થાય નહીં એવું વાતાવરણ નિર્માણ કરવામાં આવે. આ બાબતે નીતિ ઘડવાનું રાજ્ય સરકારનું મૂળભૂત કાર્ય છે. 

કોર્ટે મૌખિક રીતે નોંધ કરી હતી કે અન્ય ઉપાયો પણ ઉપલબ્ધ છે. ટિકિટના કાળાબજાર કે કૌભાંડના કેસમાં અરજદાર એફઆઈઆર નોંધાવી શકે છે. પોલીસ એફઆઈઆર નોંધે નહીં તો ફરિયાદી મેજિસ્ટ્રેટ પાસે જઈ શકે છે, એમ કોર્ટે ઉમેર્યું હતું. ગ્રાહકની ફરિયાદ આવે તેવામાં અરજદાર પાસે ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ ઉપાય મેળવી શકે છે.

મુખ્ય ન્યાયમૂર્તિ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને ન્યા. બોરકરની બેન્ચ સમક્ષ અરજદારની અરજીની સુનાવણી ચાલીરહી હતી. ઓનલાઈન ટિકિટના કાળા બજાર, જથ્થાબંધ ટિકિટ બુકિંગ અને દલાલીની પ્રથા અટકાવવા નિયમાવલી ઘડવા માટે દાદ મગાઈ હતી.

અરજદારના વકિલે દલીલ કરી હતી કે આ બાબતો માટે કોઈ કાયદા નહોવાથી ટિકિટ કાળાબજાર કરનારા તેનો લાભ લઈ રહ્યા છે. સાઈબર નિષ્ણાતોની મદદથી કમિટી રચીને તેમના માટે કાયદામાં રહેલી છટકબારી દૂર કરવા ચોક્કસ નિયમાવલી માટે સૂચન લઈ શકાય છે, એવી પણ રજૂઆત અરજીમાં કરવામાં આવી છે.

વકિલે વધુમાં જણાવ્યુંહતંં કે રાજ્ય અને કેન્દ્ર સરકાર જાહેર મનોરંજનના કર્યક્રમો પરના કરવેરામાં ભાગ ધરાવે છે આથી ગ્રાહકોને બંધારણની કલમ ૨૧ હેઠળ મનોરંજનનો આનંદ લેવાનો અધિકાર છે.

કાળાબજારીયા એજન્ટે અમુક સેકન્ડોમાં જ જથ્થાબંધ ટિકિટો બુક કરી લે છે અને જનતાને પ્રાઈમરી વેબસાઈટ પરથી ટિકિટ મળી શકતી નથી. આવી ટિકિટે કાળાબજારમાં ઊંચા ભાવે વેચાય છે. જાહેર કાર્યક્રમો સ્ટેડિયમમાં થતા હોવાથી તેની ટિકિટો પર ૨૮ ટકા મનોરંજન કર લદાય છે.

વકિલે દલીલ કરી હતી કે સરકાર જ્યારે ટેક્સ લાદે છે  ત્યારે સરકારની ફરજ છે કે આવા મનોરંજન માટેની ટિકિટો કાળાબજારમાં વેચાય નહીં તેની તકેદારી લે અને જનતા આવા કાળાબજારીયા દ્વારા ઠગાઈ નહીં એની તકેદારી લેવાની સરકારની ફરજ હોવાની દલીલ કરી હતી. જોકે મુખ્ય ન્યાયમૂર્તિએ કરવેરો  એ બદલામાં લેવાયેલી રકમ નથી જ્યાં ગ્રાહક તેની સામે કંઈ અપેક્ષા રાખે.

કોર્ટે પુનરુચ્ચાર કર્યો હતો કે અરજદાર પોલીસ અઓથોરિટી પાસે આવી પ્રથા સામે ફરિયાદ કરી શકે છે. વકિલે જવાબમાં જણાવ્યું હતું કે આર્થિક ગુના શાખા સમક્ષ ફરિયાદ છે પણ અસહકારને કારણે ફરિયાદ અટકી પડી છે. આથી મુખ્ય ન્યાયમૂર્તિએ જણાવ્યું હતું કે રાજ્યની ફોજદારી એજન્સી એટલી નબળી નથી કે થર્ડ પાર્ટી સહકાર આપે નહીં તો તેને ફરજ પાડી શકે નહીં. આ નિરીક્ષણ સાથે કોર્ટે ચુકાદા માટે પ્રકરમ મુલતવી રાખ્યું હતું.


Google NewsGoogle News