કોર્પોરેટ ગૃહનાં 3000 કરોડના કૌભાંડની ફેક પોસ્ટ માટે સીએની ધરપકડ
કંપનીનું બેન્ક સ્ટેટમેન્ટ પણ અપલોડ કરી દીધું હતું
કંપનીને બદનામ કરવા અથવા તો ખંડણી વસૂલવાનું કાવતરું ઘડાયું હોવાની શંકાઃ અન્યોની સંડોવણી વિશે પણ તપાસ
મુંબઈ : એક કોર્પોરેટ હાઉસને સંડોવતા રૃા.૩૦૦૦ કકરોડના નાણાંકીય કૌભાંડ અંગે સોશિયલ મીડિયા પર ખોટી અને ગેરમાર્ગે દોરતી માહિતી રજૂ કરવા બદ્દલ મુંબઈ પોલીસે ૩૦ વર્ષના એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ)ની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોનુસાર તેણે કંપનીનું બેન્ક સ્ટેટમેન્ટ અપલોડ કર્યું હતું અને તેને એક પોસ્ટમાં ટેગ કરી જણાવ્યું હતું કે સંબંધિત કંપનીના ખાતામાં રકમ જમા થઈ ગઈ છે.
આ પ્રકરણે મુંબઈ પોલીસના ક્રાઈમ ઈન્ટિજન્સ યુનિટે સીએ મોહિત જૈન સામે આઈપીસીની છેતરપિંડી બનાવટ, ગુનાહિત વિશ્વાસભંગ અને બદનક્ષીની કલમો અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ સંદર્ભે મુંબઈ પોલીસના સાઉથ રિજન સાયબર સેલે ડિસેમ્બર મહિનામાં એક એક્સ (પહેલાના ટ્વિટર) હેન્ડલર સામે ગુનો નોંધ્યો હતો. આ હેન્ડલરે બનાવટી ન્યૂઝ એક્સ પ્લેટફોર્મ પર મૂકી તેને અમૂક મીડિયા એકમોને ે ટેગ કર્યા હતા. આ પોસ્ટમાં અજાણ્યા વ્યક્તિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રૃા.૩૦૦૦ કરોડનું કૌભાંડ થયું છે અને આ કૌભાંડની રકમ કંપનીના બેન્ક ખાતામાં જમા થઈ છે. સંબંધિત કંપનીના પાર્ટનરના ધ્યાનમાં આ વાત આવતા તેણે પોલીસમાં એફઆઈઆર નોંધાવી હતી.
આ બાબતની વધુ તપાસમાં જૈનની સંડોવણી સામે આવી હતી. પોલીસ એ વાતની તપાસ ચલાવી રહી છે કે સંબંધિત કંપનીના ખાનગી દસ્તાવેજો જૈન પાસે આવ્યા કઈ રીતે અને આ ગુનામાં અન્ય વ્યક્તિઓનો પણ સામેલ છે કે કેમ.પોલીસે આ કેસમાં ગુનાહિત ષડયંત્રની કલમ પણ ઉમેરી હતી.
આ સમગ્ર પ્રકરણે વધુ વિગત આપતા એક અધિકારીએ માધ્યમોને જણાવ્યંુ હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ એવી શંકા જાય છે કે આરોપીએ સોશિયલ મીડિયા પર વિવિધ વ્યક્તિઓના બેન્ક સ્ટેટમેન્ટ સોશિયલ મીડિયા પર અપલોડ કરી તેમને બ્લેકમેલ કરી ખંડણી પડાવવાની યોજના પણ ઘડી કાઢી હોઈ શકે છે. જ્યારે એવી શક્યતા પણ વર્તાવી હતી કે કંપનીને આ રીતે બદનામ કરી તેને જંગી નુકસાન કરવાની પણ નેમ હોઈ શકે છે.
મોહિત જૈનને રવિવારે કોર્ટમાં હાજર કરવામાં આવતા તેને કોર્ટે ૩૦ જાન્યુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. જૈને જ એક્સ પર આ વિગતો મૂકવાર વ્યક્તિને ક્લાસીફાઈડ દસ્તાવેજો પૂરી પાડયા હોવાનો આરોપ છે.