પોન્ઝી સ્કીમ દ્વારા કરોડો રૂપિયાની ઠગાઈ આચરી સીએ ફરાર
દર મહિને બે ટકા વ્યાજની લાલચ આપી રોકાણકારો સામે ઠગાઈ
રોકાણકારો સાથે રૂ.૫૪.૪ કરોડની છેતરપિંડી, જોકે આંકડો ખૂબ જ મોટો હોવાનો દાવો
મુંબઇ: મુંબઈમાં પોન્ઝી સ્કીમ દ્વારા રોકાણકારો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ આચરી એક સી.એ. ફરાર થઈ જતા પોલીસે સી.એ. સામે છેતરપિંડી સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ફરાર થઈ ગયેલા સી.એ.નું નામ અંબર દલાલ છે અને રોકાણકારોને દર મહિને બે ટકા વ્યાજની લાલચ આપી તેણે પોન્ઝી સ્કીમ દ્વારા હજારો રોકાણકારો સાથે રૂ.૫૪.૪ કરોડની ઠગાઈ આચરી હતી. જોકે આ આંકડો ખૂબ જ મોટો હોવાનો દાવો રોકાણકારોએ પોલીસ સમક્ષ કર્યો હતો. રોકાણકારોને આ મહિનાના પૈસા ન મળતા તેઓ દલાલની ઓફિસમાં ધસી ગયા ત્યારે સી.એ. દલાલ બે દિવસથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. અંતે રોકાણકારો છેતરાયા હોવાની ભાવનાથી ઓશિવરા પોલીસ સ્ટેશનમાં ધસી ગયા હતા.
આ સંદર્ભે વધુ વિગતાનસાર દલાલ અંધેરી (વે)ની એક ભાડાની ઓફિસમાંથી તેનું કામ ચલાવતો હતો. તેણે માસિક બે ટકા વ્યાજની લાલચે અને રોકાણકારોના પૈસા તેની પાસે એકદમ સુરક્ષિત છે તેવું જણાવી પોન્ઝી સ્કીમોમાં રોકાણ કરાવ્યું હતું. રોકાણકારોને ગયા મહિનાના પૈસા ન મળતા તેઓ દલાલની ઓફિસ પર ધસી જતા દલાલની ઓફિસ પર તાળા લાગેલા હોવાનું જણાયું હતું અને દલાલ બે દિવસથી આવતો ન હોવાનું સ્પષ્ટ થયું હતું.
રોકાણકારોએ ત્યારબાદ દલાલના પરિવારજનો પાસે આ બાબતે પૂછપરછ કરતા તે ૧૪ માર્ચના સવારે ૧૦ વાગ્યાથી ગુમ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટના બાદ રોકાણકારોએ ઓશિવરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આઈપીસીની કલમ ૪૨૦ (છેતરપિંડી), ૪૦૬ (ગુનાહિત વિશ્વાસભંગ) ૪૦૯ અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધ્યો હોવાનું એક પોલીસ અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું.
દલાલના પરિવારજનોએ પણ તેના ગુમ થવાની ફરિયાદ ઓશિવરા પોલીસ સ્ટેશનમાં કરી હોવાનું જાણવા મળ્યું હતું. એવું કહેવાય છે કે લગભગ ૯૦૦થી પણ વધુ રોકાણકારો સાથે છેતરપિંડી થઈ છે. અમુક રોકાણકારોએ આ પ્રકરણે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઈકોનોમિક ઓફેન્સીસ વિંગ)નો સંપર્ક કરવાનું નક્કી કર્યું છે.