બોમ્બે'ને બાય બાયઃ હવે ‘મુંબઈ હાઈકોર્ટ' નામકરણ માટે સંમતિ
ખુદ હાઈકોર્ટ તથા મહારાષ્ટ્ર સરકાર બંનેએ સંમતિ આપી
રાજ્યસભામાં કેન્દ્રીય કાયદા મંત્રીએ આપી માહિતીઃ કલકત્તા અને મદ્રાસ હાઈ કોર્ટે નામ બદલવાનું નકાર્યું
મુંબઈ : બોમ્બે હાઈ કોર્ટનું નામકરણ કરીને 'મુંબઈ હાઈ કોર્ટ' કરવાના પ્રસ્તાવને રાજ્ય સરકાર અને ખુદ હાઈ કોર્ટે સંમતિ અપાતાં ટૂંક સમયમાં હવે હાઈ કોર્ટના નામમાં 'બોમ્બે'ના બદલે 'મુંબઈ' શબ્દ જોવા મળશે. દેશમાં બોમ્બે હાઈ કોર્ટ સહિતની અમુક હાઈ કોર્ટોના નામકરણ બાબતના કાયદો લાવવાનો કોઈ પ્રસ્તાવ બાકી નહોવાનું રાજ્યસભામાં કેન્દ્રીય કાયદા મંત્રાલયે માહિતી આપતાં જણાવ્યું હતું. રાજ્યસભાના સભ્ય સી. વી. શણમુગમે કરેલા સવાલના જવાબમાં કાયદા અને ન્યાયતંત્ર ખાતાના સ્વતંત્ર અખત્યાર ધરાવતા પ્રધાન અર્જુન રામ મેઘવાળે લેખિત જવાબ આપ્યો હતો.
બોમ્બે હાઈ કોર્ટ, મદ્રાસ, કલકત્તા, ઓરિસ્સા અને ગૌહાટી હાઈ કોર્ટના નામ અનુક્રમે મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, ઓડિશા અને ગુવાહાટી કરવા માટેના સરકારની મહેચ્છા હોવાનું અને આ માટે હાઈકોર્ટો અને રાજ્ય સરકારો સાથે સલાહમસલત કરવામાં આવી હોવાનું જણાવાયું હતું.
મદ્રાસ હાઈકોર્ટને 'હાઈ કોર્ટ ઓફ તામિળનાડુ' કરવાનું સ્થાનિક રાજ્ય સ રકારે સૂચન કર્યું હતું પણ મદ્રાસ હાઈ કોર્ટે સંમતિ આપી નહોતી. બીજી તરફ કલકત્તા હાઈકોર્ટના પ્રસ્તાવિત નામકરણ માટે પણ સરકાર અને હાઈ કોર્ટે ંસંમતિ આપી નહોતી. જોકે મહારાષ્ટ્ર અને ગોવા રાજ્ય સરકારે અને બોમ્બે હાઈ કોર્ટે બોમ્બે હાઈ કોર્ટનું 'મુંબઈ હાઈ કોર્ટ' કરવાના પ્રસ્તાવને સંમતિ આપી હોવાનું જવાબમાં જણાવાયું હતું. ઓરિસ્સા અને ગૌહાટી હાઈ કોર્ટ અને તેમની સરકારોએ પણ કોઈ વાંધો લીધો નહોતો.
હાઈકોર્ટના નામ બદલવાનો પ્રસ્તાવ ૧૯ જુલાઈ ૨૦૧૬ના રોજ લોકસભામાં લવાયો હતો પરંતુ ૧૬મી લોકસભાના વિસર્જનને લીધે ખરડો આગળ પસાર થઈ શક્યો નહોતો. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે બોમ્બે હાઈ કોર્ટનું મહારાષ્ટ્ર હાઈ કોર્ટ કરવાના ફેરબદલાવની અરજી ફગાવી દીધી હતી.