ભાયખલા ઝૂમાં 1 વર્ષમાં 29 લાખ સહેલાણી આવ્યાં : 11 કરોડની આવક
આ નાણાંકીય વર્ષમાં સિંહ અને વરુનું પણ આગમન થશે
પેન્ગિવન ગેલેરી તથા અન્ડરવોટર ટાઈગરનું સૌથી વધુ આકર્ષણઃ હવે નવું વોક થૂ્ર એક્વેરિયમ પણ ઉમેરાશે
મુંબઇ : મુંબઇના વીરમાતા જીજાબાઇ ભાોંસલે બોટનિક ગાર્ડન(જે રાણીબાગ તરીકે પણ ઓળખાય છે) અને પ્રાણી સંગ્રહાલયમાં મુલાકાતીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે.૨૦૨૩ -૨૪માં મુલાકાતીઓની સંખ્યા ૨૯ લાખ નોંધાઇ છે. સાથોસાથ રાણીબાગની આવક પણ વધીને ૧૧.૫ કરોડ રૃપિયા થઇ છે.
૨૦૨૨-૨૩માં રાણીબાગમાં ૨૮.૬ લાખ મુલાકાતીઓ આવ્યાં હતાં.તે વર્ષે આવક૧૧.૨ કરોડ રૃપિયાની આવક થઇ હતી.
પ્રાણી સંગ્રહાલયનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે મોટાભાગનાં મુલાકાતીઓ અહીંનાં હમબોડ્ટલ પેન્ગ્વિન્સ જોવા માટે આવે છે. ખાસ કરીને મુંબઇનાં અને નજીકનાં સ્થળોનાં બાળકોને પેન્ગ્વિન્સ જોવાનું જબરું આકર્ષણ હોય છે. હાલ પ્રાણી સંગ્રહાલયમાં કુલ ૧૮ પેન્ગ્વિન્સ છે.ઉપરાંત અહીંના એન્ડર વોટર ટાઇગરનું પણ આકર્ષણ છે. આમ બાળકો તેમનાં માતા પિતા સાથે પેન્ગ્વિન્સ અને અન્ડર વોટર ટાઇગર જોવા માટે આવે છે.પ્રાણી સંગ્રહાલયમાં ઘણાં મુલકાતીઓ મગર અને ઘડિયાળ જોવા પણ આવે છે. ઉપરાંત, પ્રાણી સંગ્રહાલયનો પ્રચાર સોશિયલ મિડિયા દ્વારા પણ ઘણો થયો હોવાથી મુલાકાતીઓની સંખ્યા સતત વધી રહી છે.
આ સૂત્રોએ એવી માહિતી પણ આપી હતી કે ૨૦૨૪માં પ્રાણી સંગ્રહાલયમાં નવાં અને વિશિષ્ટ કહી શકાય તેવાં આકર્ષણનો ઉમેરો થશે.એટલે કે ૨૦૨૪માં અહીં સિંહ અને વરુનું આગમન થવાની પૂરી શક્યતા છે.હાંલ અમે સિહ અને વરુ દેશનાં અન્ય રાજ્યનાં પ્રાણી સંગ્રહાલયમાંથી અહીં લાવવા પ્રયાસ કરી રહ્યા છીએ. અહીં વિશાળ ઘુમ્મટ આકારનું માછલી ઘર બનાવવા માટે પણ ટેન્ડર જારી કરાયાં છે. મુલાકાતીઓ આવા ઘુમ્મટ આકારના માછલી ઘરમાં ફરીને વિવિધ પ્રકારની અને રંગબેરંગી માછલીઓ જોવાનો આનંદ માણી શકશે.
સાથોસાથ સૂત્રોએ જણાવ્યું હતું કે અમે મુંબઇના પ્રાણી સંગ્રહાલયને આંતરરાષ્ટ્રીય સ્તરનું બનાવવા માટે પણ ભરપૂર પ્રયાસ કરી રહ્યા છીએ. ઉદાહરણરૃપે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત માટે નાગરિકો ઓન લાઇન બુકિંગ પણ કરી શકે છે.