શરીર સંબંધનો ઈનકાર કરતી પત્નીની પતિ દ્વારા ગળું દબાવીને હત્યા

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
શરીર સંબંધનો ઈનકાર કરતી પત્નીની પતિ દ્વારા ગળું દબાવીને હત્યા 1 - image


- બે માસ પહેલાં જ લગ્ન થયાં હતાં

- પત્નીના ઈનકારથી તેના ચારિત્ર્ય પર શંકા ગઈ હતી. ઓઢણીથી ગળું દબાવી દીધું

મુંબઇ : પુણે પાસેના દેહુમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં પત્ની શરીર સંબંધ રાખવા દેતી ન હોવાથી રોષે ભરાયેલા પતિએ તેની ઓઢણીથી ગળું દબાવી હત્યા કરી નાંખી હતી. આ દંપત્તિના લગ્ન બે મહિના પહેલા  જ થયા હતા. પત્ની શરીર સંબંધ રાખવા દેતી ન હોવાથી પત્નીના વિવાહ બાહ્ય સંબંધ હોવાની શંકાથી પતિએ આ કૃત્ય કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટના બાદ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી હતી.

આ સંદર્ભે વધુ વિગતાનુસાર મૃતક પરિણીતાનું નામ પ્રતિક્ષા દયદીપ યાદવ (૨૨) હતું અને તે મૂળ કોલ્હાપુર જિલ્લાના કુરુંદવાડીની વતની હતી. એમએસસી સુધી ભણેલી પ્રતિક્ષાના લગ્ન બે મહિના પહેલા જ એન્જિનિયરિંગની ડીગ્રી ધરાવતા જયદીપ યાદવ (૨૮) સાથે થયા હતા. જયદીપ એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો અને સાત દિવસ પહેલા જ દેહુગાવમાં રહેવા આવ્યો હતો.

શરૂઆતના ગણતરીના દિવસોમાં બંને ખુશખુશાલ હતા. જો કે છેલ્લા થોડા દિવસથી પ્રતિક્ષા તેના પતિ જયદીપને પાસે આવવા દેતી નહોતી અને તેને શરીર સંબંધથી દૂર રાખતી હતી. આ કારણે જયદીપને પ્રતિક્ષા પર શંકા ગઇ હતી. આ શંકા એટલી વધી ગઇ હતી કે જયદીપ ગુરુવારે સાંજે તેને  પાસેના આનંદ ડોહ ઘાટ વિસ્તારમાં ફરવા લઇ ગયો હતો. અહીં આવ્યા બાદ તેણે પત્નીને શરીર સંબંધ રાખવા કેમ દેતી નથી તેવો પ્રશ્ન પૂછતા બંને વચ્ચે જોરદાર વિવાદ થયો હતો. આ વિવાદ વધુ વણસતા રોષે ભરાયેલા જયદીપે ઓઢણીની મદદથી ગળું દબાવી તેની હત્યા કરી નાંખી હતી.

આ ઘટના બાદ તેણે કોઇ પૂરાવો ન મળે તે માટે તેનો મોબાઇલ ફોન ઇદ્રાયણી નદીમાં ફેંકી દીધો હતો. દરમિયાન દેહુ ઘાટ પર મહિલાનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસની એક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી થોડા જ કલાકોમાં જયદીપની ધરપકડ કરી હતી. પોલીસે ત્યારબાદ પ્રતિક્ષાના મૃતદેહને પિંપરીની એક સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા બાદ તેના સંબંધીઓને તેનો મૃતદેહ સોંપ્યો હતો.



Google NewsGoogle News