બાંદરામાં બિઝનેસમેનના પુત્રએ સ્પીડમાં કાર દોડાવી પાંચ બાઇકને ટક્કર મારી
- પુણે પોર્શે કાર અકસ્માતનું મુંબઇમાં પુનરાવર્તન
- અકસ્માત બાદ યુવતી કારમાંથી બોટલ બહાર ફેંકતી સીસીટીવીમાં કેદ
મુંબઇ : પુણેના ચકચારજનક પોર્શે કાર અકસ્માત જેવી ઘટના મુંબઇમાં બની છે. બાંદરામાં બિઝનેસમેનના ૧૯ વર્ષીય પુત્રએ બેફાર્મ પણે પોર્શે કાર દોડાવી પાર્કમાં ઉભેલી પાંચ બાઇકને અડફેટમાં લીધી હતી. સદ્નસીબે કોઇને ઇજા થઇ નહતી. પરંતુ બાઇકને ઘણું નુકસાન થયું હતું. કાર ચાલક યુવકે ડ્રાઇવિંગ દરમિયાન દારૃપીધો હતો કે કેમ એની તપાસ ચાલી રહી છે.
અકસ્માત પછી તેની સાથે પ્રવાસ કરતી યુવતી કારમાંથી બોટલ બહાર ફેંકતા સીસીટીવીમાં ઝડપાઇ ગઇ હતી. પોલીસે મામલાની નોંધ લઇ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
મુંબઇના બાંદરા (પશ્ચિમ)માં શુક્રવારે રાતે ૨.૪૦ વાગ્યે આ બનાવ બન્યો હતો. વિલેપાર્લેમાં રહેતો ૧૯ વર્ષીય ધુ્રવ ગુપ્તા પૂરપાટ કાર દોડાવીને જઇ રહ્યો હતો દરમિયાન સાધુ વાસવાની ચૌક પાસે તેણે કાર પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું.રસ્તા પાસે પાર્ક કરાયેલી પાંચ બાઇકને કારે ટક્કર મારી હતી. અકસ્માતમાં કોઇ જાનહાની થઇ નહોતી.
આ બનાવના સીસીટીવી સામે આવ્યો છે કારની અથડામણ બાદપાંચ જણ કારમાંથી બહાર નીકળતા જોવા મળે છે. પચી ઘટનાસ્થળે લોકોની ભીડ જમા થવા લાગે છે. ત્યારે યુવતી પાછી કારમાં બેસી જાય છે અને એક બાટલી બહાર ફેંકતી સીસીટીવીમાં કેદ થાય છે. શું તે દારૃની બોટલ હતી ? શું તેણે પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો ? આ તમામ બાબતના જવાબ પોલીસ તપાસમાં બહાર આવશે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અમે યુવક વિરૃદ્ધ બેફામ ડ્રાઇવિંગનો કેસ નોંધ્યો છે. તેણે નોટિસ પણ આપવામાં આવી છે. અકસ્માત વખતે તે દારૃના નશામાં કાર ચલાવતો હતો કે કેમ એની તપાસ માટે ધુ્રવ ગુપ્તાના લોહીના નમૂના લેવામાં આવ્યા છે. અમે પોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. એના રિપોર્ટમાં ખરેખર શું બહાર આવે છે તે જોવું પણ મહત્વનું રહેશે.
કારનું સ્ટિયરિંગ જામ થઇ જતા અકસ્માત થયો હતો કે કેમ એની પણ તપાસ થઇ રહી છે. અગાઉ પુણેના કલ્યાણીનગરમાં બિલ્ડરના ૧૭ વર્ષીય પુત્રએ દારૃના નશામાં લકઝુરિયસ પોર્શે કાર પૂરપાટ દોડાવી બાઇકને અડપેટમાં લેતા આઇટી એન્જિનિયર યુવક-યુવતીના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
આ ઉપરાંત અગાઉ મુંબઇમાં પણ સ્પીડમાં વાહન ચલાવતા થયેલા જુદા જુદા અકસ્માતમાં અનેક નિર્દોષ વ્યક્તિ મોતના મુખમાં ધકેલાઇ ગઇ છે.