પત્ની અને પુત્રના હત્યારા બિઝનેસમેને 700 રોકાણકારોના 31 કરોડ ડૂબાડયા
ઠગાઇનો કેસ થાણે આર્થિક ગુના શાખાને સોંપાય તેવી શક્યતા
લોકોને ઉંચા વળતરની લાલચ આપી પૈસા રોકામ કરવા લલચાવ્યા હતાઃ હવે કોર્ટ પાસેથી કસ્ટડીની માગણી કરાશે
મુંબઇ : ગયા મહિને કલ્યાણના એક ૪૫ વર્ષના બિઝનેસમેન દિપ ગાયકવાડે તેની પત્ની અશ્વિની અને સાત વર્ષના પુત્ર અધિરાજની તેના ઘરમાં હત્યા કરી નાખી હતી. આ ઘટના બાદ ભાગી છૂટેલા ગાયકવાડની પોલીસે છત્રપતિ સંભાજીનગરથી ધરપકડ કરી હતી. આ કેસની તપાસ દરમિયાન પોલીસને એવું પણ જાણવા મળ્યું હતું કે હત્યાનો આરોપી ગાયકવાડ ફાઇનાન્સ કંપની ચલાવતો હતો અને તેણે અહીંના ૭૦૦ જેટલા રોકાણકારોના ૩૧ કરોડ રૃપિયા ડૂબાડયા હતા.
આરોપી ગાયકવાડ હાલ અદાલતી કસ્ટડીમાં કલ્યાણની આધારવાડી જેલમાં બંધ છે. ગાયકવાડે કરેલી ઠગાઈની રકમ ખૂબ જ મોટી હોવાથી હવે આ કેસની તપાસ થાણેની આર્થિકગુના શાખા કરશે તેવી શક્યતા વર્તાવવામાં આવી રહી છે.
આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર ગાયકવાડ છેલ્લા ચાર વર્ષથી કલ્યાણમાં ત્રણ ગીફટ શોપ અને એક ફાઇનાન્સ કંપની નીધિ રિસર્ચ કંપની ચલાવતો હતો. ગાયકવાડ લોકોને રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપી તેમના પરસેવાની કમાણી તેની કંપનીમાં રોકાણ કરવાનું પ્રલોભન આપતો. તે વિવિધ સ્કીમ હેઠળ પાંચ, દસ તેમ જ પંદર ટકા સુધીના વળતરની ખાતરી રોકાણકારોને આપતો.
આ સંદર્ભે કલ્યાણના મહાત્મા ફૂલે નગર પોલીસ મથકના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ છેતરપિંડીના આ કેસમાં કોર્ટ પાસેથી ગાયકવાડની કસ્ટડી માટે માગણી કરશે.
ગાયકવાડ સામે પોલીસે અલગથી ૪૨૦ (છેતરપિંડી), ૪૦૬ (ફોજદારી વિશ્વાસભંગ) અને રોકાણકારોની હિતની રક્ષા કરતા મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
૧ ડિસેમ્બરના રોજ ગાયકવાડે કલ્યાણના તેના રામબાગ લેન-૩ના ઓમ દિવાલય એપાર્ટમેન્ટમાં પત્ની અશ્વિની અને પુત્ર અધિકારની મોઢે તકિયો મૂકી દમ ઘોંટી હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ આ બાબતની જાણ તેના એક સ્ટાફને કરી તે ફરાર થઈ ગયો તો. અંતે કલ્યાણ પોલીસે ગાયકવાડની છત્રપતિ સંભાજી નગરથી ધરપકડ કરી હતી.