કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચેની બસ સર્વિસિસ બંધ કરાઈ
ભાષા વિવાદના મુદ્દે બંને રાજ્યની બસો પર કાળો રંગ લગાવવાના બનાવો
બેલગાવીમાં પ્રવાસી અને કન્ડક્ટર વચ્ચેના ઝઘડાએ ભાષાકીય વિવાદનું સ્વરૃપ લીધું
કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચેની બસ સેવાઓ બંધ કરવામાં આવી છે. બંને રાજ્યની બસ અને કર્મચારીઓ રાજ્યની બસ અને કર્મચારીઓ પર હુમલો થયા હોવાના અહેવાલના પ્રત્યાઘાતમાં બસ સર્વિસિસ બંધ કરવામાં આવી છે.
કર્ણાટક રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના એક વરિષ્ઠ અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ''અમે સોમવારથી મહારાષ્ટ્ર જતી બસ સર્વિસ બંધ કરી છે. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને પણ કર્ણાટક જતી બસ સેવાઓ બંધ કરી છે.
એક સંવેદનશીલ મુદ્દા બાબતમાં બેલગાવી જિલ્લામાં તણાવની પરિસ્થિતિ ઊભી થઈ હોવાથી આ નિર્ણય લેવાયો છે તેવું તેમણે કહ્યું હતું. દરમ્યાન કર્ણાટક રક્ષા વેદિકેશીના બંને જૂથે દેખાવો કર્યા હતા અને તેમના કાર્યકરોએ ધરપકડ વહોરી લીધી હતી.
સમગ્ર ઘટનાક્રમ આ પ્રમાણે છે. શુક્રવાર ૨૧મી ફેબુ્રઆરીએ બેલગાવીના સુલેભાવીમાં બપોરે ૧૨.૩૦ કલાકે બસ કન્ડક્ટર પર મરાઠીભાષી યુવાનોએ કથિત રીતે હુમલો કર્યો હતો. કન્ડક્ટરને મરાઠી ભાષા આવડતી ન હતી તે મુદ્દે હુમલાખોરો સાથે કન્ડક્ટરનો વિવાદ થયો હતો. બસ કન્ડક્ટરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. શુક્રવારે રાતે ૨૧મી ફેબુ્રઆરીએ બેંગ્લુરુથી મુંબઈ જતી મહારાષ્ટ્ર એસટી બસના ડ્રાઈવરને કન્નડ બોલતા નહીં આવડતું હોવાથી કન્નડ ભાષાના ટેકેદારોએ ડ્રાઈવરના મોઢાં પર કાળો રંગ ચોપડયો હતો. આ ઘટના ચિત્રદુર્ગ પાસે બની હતી.
શનિવારે રાતે શિવસેના (ઉદ્ધવ જૂથ)ના કાર્યકરોએ પુણેમાં દેખાવો કર્યા હતા અને કર્ણાટક નંબર પ્લેટ ધરાવતી બસો પર કાળો રંગ ચોપડયો હતો.
બેલગાવીના સુલેભાવીમાં કન્ડક્ટર પર કરાયેલા હુમલાના સંદર્ભમાં ચાર જણની ધરપકડ કરવામાં આવી હતી.
દરમ્યાન કર્ણાટકના ટ્રાન્સપોર્ટે પ્રધાન રામલિંગ રેડ્ડીએ મંગળવારે પત્રકારોને બેંગ્લુરીમાં કહ્યું કે ''અમારી બસો મહારાષ્ટ્ર જતી નથી. કર્ણાટકથી ૫૦૯ બસ છે દરરોજ મહારાષ્ટ્ર જતી હતી. જ્યારે મહારાષ્ટ્રથી દરરોજ ૧૩૦-૧૪૦ બસ આવતી હતી.''
રેડ્ડીએ કહ્યું કે ''ચિત્રદુર્ગામાં એક ઘટના થઈ હતી તે સિવાય અન્ય કોઈ બનાવ બન્યો નથી. સંસ્થાઓએ દેખાવો કર્યા છે પણ તેમણે બસ પર કાળો રંગ ચોપડયાની બીજી કોઈ ઘટના બની નથી. મહારાષ્ટ્રમાં આંદોલનકારીઓએ અમારી બસો પર કલર લગાડયો છે. બેલગાવીના સુલેભાવીમાં કર્ણાટકની બસના કન્ડક્ટર પર હુમલાની ઘટનામાં પીડિત કન્ડક્ટર સામે એક પ્રવાસી સગીર બાળાએ ગેરવર્તણૂકની ફરિયાદ પણ કરી હતી. આ સગીર બાળકીના પરિવારની ફરિયાદને આધારે સોમવારે કન્ડક્ટર પર પોક્સો એક્ટ (પીઓસીએસઓ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફો સેક્સુઅલ ઓફેન્સિસ એક્ટ) હેઠળ ગુનો નંધાયો હતો. ફરિયાદી બાળકીના પરિવારે એક વીડિયો સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે તેમમે કેસ પાછો ખેંચવાનો નિર્ણય કર્યો છે. આ મામલા વચ્ચે કર્ણાટક અને મહારાષ્ટ્રના ભાષા વિવાદમાં નહીં લઈ જવા સગીર બાળકીના પરિવારે લોકોને અપીલ કરી હતી. બસ ટિકિટના મામલે પ્રવાસીઓ અને કન્ડક્ટર વચ્ચેના વિવાદિત કન્નડ-મરાઠી વિવાદ તરીકે જોવામાં આવે છે તેવું નથી તેવું બાળકીની માતાએ કહ્યું હતું.
બેલગાંવીમાં તણાવની પરિસ્થિતિ અંગે કર્ણાટકના ગૃહપ્રધાને મીડિયાને કહ્યું કે શાંતિનો ભંગ કરનારાઓ સામે કડક પગલાં ભરવામાં આવશે.
કર્ણાટકના ટ્રાન્સપોર્ટ પ્રધાને કહ્યું હતું કે ''અમારા ચીફ સેક્રેટરીએ મહારાષ્ટ્રના અધિકારીઓ સાથે વાતચીત કરી છે.''