દારુડિયા પ્રવાસીના પાપે બેસ્ટ બસ ભીડ પર ધસી ગઈ, મહિલાનું મોતઃ 9 ઘાયલ

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
દારુડિયા પ્રવાસીના પાપે બેસ્ટ બસ  ભીડ પર ધસી ગઈ, મહિલાનું મોતઃ 9 ઘાયલ 1 - image


ડ્રાઈવર સાથે ઝઘડો થતાં પ્રવાસીએ સ્ટિયરિંગ ફેરવી નાખ્યું

લાલબાગમાં ગણેશોત્સવ પૂર્વેજ ભીડ પર બસ ધસી જતાં ભાગદોડ મચી :  કાર, 2 બાઈક, રાહદારીઓને અડફેટમાં લીધા

મુંબઈ :  લાલબાગમાં રવિવારે રાતે સર્જાયેલા એક અસામાન્ય અકસ્માતમાં બેસ્ટ બસમાં ચઢી ગયેલા એક દારુડિયા પ્રવાસીએ ડ્રાઈવર સાથે ઝઘડો થયા બાદ તેની પાસે જઈ સ્ટિયરિંગ ફેરવી દેતાં બેસ્ટ બસના ચાલકે બસ પરથી કાબુ ગુમાવ્યો હતો. બેલગામ બેસ્ટ બસ કાર, બાઈક તથા સંખ્યાબંધ રાહદારીઓ પર ધસી ગઈ હતી. આ અકસ્માતમાં એક મહિલા નુુપુર મણિયારનું મોત નીપજ્યું હતું  જ્યારે અન્ય નવને ઈજા થઈ હતી. કેટલાંક વાહનોને પણ બેસ્ટની ટક્કરથી નુકસાન થયું હતું. પોલીસે  દારુડિયા પ્રવાસીની ધરપકડ કરી હતી. આ ઉપરાંત ડ્રાઈવરને પણ પૂછપરછ માટે અટકાયતમાં લવાયો હતો. 

ગણેશોત્સવ પૂર્વે ગઈકાલે લાલબાગમાં સેંકડો ભક્તોની ભીડ હતી.  ગણપતિ મંડળો દ્વારા ભારે ઉત્સાહભેર બાપ્પાની મૂર્તિ લઈ જવામાં આવી રહી હતી. બીજી તરફ ગઈકાલે રાતે બેસ્ટની ઈલેક્ટ્રિક બસ રૃટ નં.૬૬ દક્ષિણ મુંબઈના બેલાર્ડ પિયરથી રાણી લક્ષ્મીબાઈ ચોક તરફ જઈ રહી હતી. ત્યારે લાલબાગના ગણશ થિયેટર નજીક બસમાં પ્રવાસ કરતા દત્તા શિંદે (ઉ.વ.૪૫)એ દારૃના નશામાં ડ્રાઈવર સાથે ઝઘડો કર્યો હતો. 

પછી મામલો વધુ બિચક્યો હતો. આરોપી શિંદેએ ડ્રાઈવરને ધક્કે ચઢાવી બસનું સ્ટિયરિંગ પકડી લીધું હતું. જેના કારણે ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવ્યો હતો. બસ રસ્તા પર ચાલતા લોકો અને અન્ય વાહનો પર ધસી ગઈ હતી. ૧૦ જેટલા રાહદારીઓ બસની અડફેટે આવી ગયા હતા. એક કાર , બે બાઈક સહિતના વાહનોને પણ બેસ્ટની ટક્કર લાગી હતી. .

આ દુર્ઘટનામાં નુપૂર મણિયાર (ઉ.વ.૨૭) સહિત ૧૦ જણ ઘાયલ થયા હતા.અસ્કસ્માતને લીધે હોબાળો મચી ગયો હતો. અકસ્માતનો ભોગ બનેલા લોકોની ભારે ચીસાચીસ વચ્ચે સ્થાનિક લોકોની મદદથી આરોપીને પકડવામાં આવ્યો હતો.ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન નુપૂર મણિયારનું મોત નીપડયું હતું. 

આ બનાવ બાદ બસ ડ્રાઈવર અને આરોપી શિંદેને કાલાચોકી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે આરોપી શિંદે સામે ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધી તેની ધરપકડ કરી હતી.

નોકરી કરતી નુપૂર મણિયાર પરિવારનો એકમાત્ર આધારસ્થંભ હતી

પિતાના અવસાન બાદ નુપૂર માતા તથા બહેનની જવાબદારી સંભાળતી હતી

ચિંચપોકલી નજીક લાલબાગ પાસે રહેતી નુપૂર મણિયાર તેની માતા અને બહેનની જવાબદારી સંભાળતી હતી. 

લાલબાગમાં બેસ્ટ બસ અકસ્માત માટે જવાબદાર નશામાં ધૂત પ્રવાસી દતા શિંદેને કડક શિક્ષા આપવામાં આવે એવી માગણી મણિયાર કુટુંબ, મિત્રો અને લાલબાગના રહેવાસીઓ દ્વારા કરવામાં આવી છે. સરકાર, રાજકીય પક્ષ, સામાજિક સંસ્થાએ નુપૂરની માતા અને મહેનને મદદ કરવી જોઈએ એમી માગણી પણ કરાઈ છે.

નુપૂરના પિતાનું અવસાન થયું છે તેને પિતાના વારસામાં નોકરી મળી હતી આમ નુપૂર જ માતા અને બહેનની જવાબદારી સંભાળતી હતી.



Google NewsGoogle News