પુણે પાસે બસ ખીણમાં ખાબકતાં ડ્રાઈવરનું મોતઃ પાંચ પ્રવાસી ઘાયલ

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
પુણે પાસે બસ ખીણમાં ખાબકતાં ડ્રાઈવરનું મોતઃ પાંચ પ્રવાસી ઘાયલ 1 - image


- રાતે બે વાગ્યે દુર્ઘટના, સ્થાનિક નાગરિકોએ રેસ્ક્યૂ કર્યું

- બસ ખીણમાં ખાબકી ઝાડી ઝાંખરામાં અટવાઇ જતા મોટી દુર્ઘટના ટળી

મુંબઈ : પુણેથી ભોર માર્ગે થઇ કોકણ જતી એક મિની બસ વરંધ ઘાટમાં બેકાબૂ થઇ ૬૦ ફૂટ ઉંડી ખીણમાં ખાબકતા બસના ડ્રાઇવરનું મોત થયું હતું. આ દુર્ઘટનામાં બસમાં સવાર પાંચ પ્રવાસીઓને ગંભીર ઇજા થઇ હતી.

દુર્ઘટના ગ્રસ્ત બસ ખીણમાં ખાબકી મસમોટા ઝાડ-ઝાંખરામાં અટવાઇ જતા મોટી દુર્ઘટના ટળી હતી. આ બનાવ બન્યો ત્યારે બસમાં કુલ ૧૩ પ્રવાસીઓ સવાર હતા. ઇજાગ્રસ્તોને ખીણમાંથી બહાર કાઢી વધુ સારવાર માટે ભોરની ઉપજિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર શનિવારે રાત્રે ૧૧ વાગ્યે ૧૩ પ્રવાસીઓ સાથે ખાનગી મિની બસ પુણેના સ્વારગેટથી રત્નાગિરીના ચિપલૂણમાં જવા રવાના થઇ હતી. રાત્રે બે વાગ્યે જ્યારે આ બસ ભોર- મહાડ રોડ પર નીરા- દેવધર ડેમના બેક વોટર વિસ્તારમાંથી પસાર થઇ રહી હતી ત્યારે વરંધ ઘાટ વિસ્તારમાં બસના ડ્રાઇવરે બસ પરનો કાબૂ ગુમાવતા બેકાબૂ થઇને બસ વરંધ ઘાટમાં ખાબકી હતી.

૬૦ ફૂટ નીચે ખાબક્યા બાદ આ બસ મસમોટા ઝાડી- ઝાંખરામાં અટવાઇ ગઇ હતી. આ વાતની જાણ પોલીસને થતા પોલીસની ટીમ તરત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્તોને બસની બહાર કાઢયા  હતા. આ તમામ લોકોને ભોરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમા બસના ડ્રાઇવર અજીકંપ  સંજય કોલતે (ધનકવડી- પુણે)ને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ડ્રાઇવરે બસનું નિયંત્રણ ગુમાવતા આ દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં રાજેન્દ્ર મિસાળ, રમેશ મહાડિક, કરિશ્મા કાંબળે અને સુભાષ કદમને ગંભીર ઇજા પહોંચી હતી, પોલીસે આ પ્રકરણે આગળની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે. 



Google NewsGoogle News