મલાડમાં તાબે નહીં થતી શિક્ષિકા પર ગુંડાનો સળિયાથી હુમલો

Updated: Apr 1st, 2024


Google NewsGoogle News
મલાડમાં  તાબે નહીં થતી શિક્ષિકા પર ગુંડાનો  સળિયાથી હુમલો 1 - image


- એક તરફી પ્રેમમાં પીછો કરી લગ્ન માટે સતત દબાણ

- આરોપી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો, અગાઉ પણ શિક્ષિકાએ એફઆઈઆર નોંધાવી હતી

મુંબઇ : મલાડ (ઈ)ના કુરાર વિલેજમાં શનિવારે એક સ્થાનિક ગુંડા દ્વારા એક શિક્ષિકા પર સળિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં શિક્ષિકાને ગંભીર ઈજા થતાં તેમને કાંદિવલીની શતાબ્દી હોસ્પિટલના આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સ્થાનિક ગુંડો અને આરોપી મોહમ્મદ હારુની ઈદ્રિસી ઉર્ફે ચમન (૨૨) ભાગી છૂટયો હતો.

સૂત્રોનુસાર અમન શિક્ષિકાને એકતર્ફી પ્રેમ કરતો હતો અને લગ્ન કરવા તેના પર દબાણ લાવી રહ્યો હતો. આ ઘટના બાદ પોલીસે ઈદ્રિસી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર મલાડના કુરાર વિલેજનો સ્થાનિક ગુંડો ઈદ્રિસી ઉર્ફે ચમન અહીંની એક શિક્ષિકાને એકતર્ફી પ્રેમ કરતો હતો. તે સતત શિક્ષિકાનો પીછો કરતો અને તેને હેરાન કરી લગ્ન માટે દબાણ લાવી રહ્યો હતો. આ હેરાનગતિથી કંટાળી શિક્ષિકાએ કુરાર પોલીસ સ્ટેશનમાં ઈદ્રિસી સામે વર્ષ ૨૦૨૧માં એનસી નોંધાવી હતી.

આ ઘટના બાદ પણ તેણે શિક્ષિકાનો પીછો છોડયો નહોતો અને તેને સતત હેરાન કરતો હતો તેણે શિક્ષિકા પર હુમલો પણ કર્યો હતો. શિક્ષિકાએ આરોપી ઈદ્રિસી સામે ૨૦૨૨માં એફઆઈઆર નોંધાવી હતી. પોલીસે ત્યારે તેની ધરપકડ કરી તેને જેલભેગો કર્યો હતો. આ વાતથી ઈદ્રિસી રોષે ભરાયો હતો. જામીન પર છૂટીને આવ્યા બાદ પણ તેણે શિક્ષિકાને હેરાન કરવાનું બંધ કર્યું નહોતું. ત્યારબાદ શનિવારે તેણે શિક્ષિકા પર સળીયા વડે હુમલો કરતા તેમને માથા અને હાથ તેમજ કમરમાં ગંભીર ઈજા થતા તેમને કાંદિવલીની બાબાસાહેબ આંબેડકર શતાબ્દી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પોલીસ ઈદ્રિસી સામે આઈપીસીની કલમ ૩૦૭ (હત્યાના પ્રયાસ) હેઠળ ગુનો નોંધી આ ઘટના બાદ ભાગી છૂટેલા ઈદ્રિસીને પકડી પાડવાના પ્રયાસો હાથ ધર્યા છે.



Google NewsGoogle News