મીરા રોડ બાદ મોહમ્મદઅલી રોડના દબાણો પર પણ બુલડોઝર
40 દુકાનોનું દબાણ તોડાતાં ફુટપાટ ખુલ્લી થઇ
ચોક્કસ સમુદાયને ટાર્ગેટ બનાવવાનો વિપક્ષનો આક્ષેપઃ પાલિકાએ કહ્યું આ તો ડીપ ક્લિનિંગ છે
મુંબઇ : મુંબઈના મોહમ્મદ અલી રોડ પર મહાનગરપાલિકા દ્વારા આજે ૪૦ દુકાનોનું દબાણ દૂર કરી ફૂટપાથ ખુલ્લી કરવામાં આવી હતી. મીરા ભાયંદરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણો દૂર થયા પછી હવે આ કાર્યવાહીથી એક ચોક્કસ સમુદાયને ટાર્ગેટ કરાતો હોવાના આક્ષેપ વિપક્ષોએ કર્યા છે.
મીરા ભાયંદરમાં ગત રવિવારે રાતે બે સમુદાય વચ્ચે અથડામણ થઈ હતી. તે પછી સ્થાનિક મહાપાલિકાએ નયા નગર વિસ્તારમાં દબાણો પર બૂલડોઝર ફેરવ્યું હતું.
હવે મહાપાલિકાએ તળ મુંબઈના મોહમ્મદ અલી રોડ પર પણ ૪૦ દુકાનોનાં દબાણ દૂર કર્યાં હતાં. આ કાર્યવાહીને પગલે વિશાળ ફૂટપાથ અવરજવર માટે ખુલ્લી થઈ હતી.
મહાપાલિકા અધિકારીએ જણાવ્યું હતું કે શહેરમાં હાલ ડીપ ક્લિનિંગની કવાયત હાથ ધરાઈ છે. તેના ભાગ રુપે ફૂટપાથો ખુલ્લી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી ગત ડિસેમ્બરથી ચાલુ છે. તમામ વોર્ડમાં આ કાર્યવાહી થઈ રહી છે.
જોકે, કોંગ્રેસ સહિતના વિપક્ષે જણાવ્યું હતું કે એક ચોક્કસ સમુદાયને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો હોય તેવી છાપ છે. દબાણ ખસેડતાં પહેલાં નોટિસ આપવાની ઔપચારિકતા પણ નિભાવવામાં આવતી નથી. સમાજવાદી પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે આ ડિમોલીશન ચૂંટણીને ધ્યાને રાખીને થઈ રહ્યું હોવાનું સ્પષ્ટ છે.