બિલ્ડરોએ એક જ એકાઉન્ટમાં રકમ જમા કરાવવી પડશે
રેરા પ્રોજેક્ટ સંબંધિત પાઈપાઈનો હિસાબ રાખશે
બિલ્ડર્સ એસોસિયેશનનો રેરાના પ્રસ્તાવ સામે વિરોધ, તમામ એજન્સીની જવાબદારી નક્કી કરવાની માગ
મુંબઈ : ઘર ખરીદનારની રકમનો પૂરેપૂરો હિસાબ રાખવાના હેતુથી મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોટિરી (મહારેરા)એ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા બેન્ક એકાઉન્ટમાં મોટો ફેરફાર કરવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. તેના અનુસાર બિલ્ડરે ગ્રાહકો પાસેથી મેળવેલી રકમ અલગ અલગ એકાઉન્ટના સ્થાને એક જ એકાઉન્ટમાં જમા કરાવવી પડશે. બિલ્ડરે ચોક્કસ પ્રોજેક્ટ માટે અલાયદો એકાઉન્ટ રાખવાનો રહેશે. રેરાના આ નિર્ણયથી બિલ્ડરે ખરીદદારના તમામ પૈસાનો હિસાબ આપવો પડશે.
સામાન્યપણે બિલ્ડરો પાર્કિંગ, મેન્ટેનન્સ, ક્લબ હાઉસ સહિત અન્ય ચાર્જ પેટે ગ્રાહકો પાસેથી રકમ લઈને અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવે છે. પ્રોજેક્ટ સાથે એકાઉન્ટ સંકળાયેલો ન હોવાથી ગ્રાહક પાસેથી મેળવેલી રકમનો ચોક્કસ હિસાબ રહેતો નથી. આ ખામીઓ દૂર કરવા રેરાએ બેન્ક એકાઉન્ટ સાથેના નિયમોમાં ફેરફારનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. ડ્રાફ્ટને અંતિમ મંજૂરી આપવા અગાઉ રેરાએ ૧૫ એપ્રિલ સુધી રિયલ એસ્ટેટ સેક્ટર સાથે જોડાયેલા સંગઠનો અને અન્ય લોકો પાસેથી સૂચનો મંગાવ્યા છે.
ડ્રાફ્ટ અનુસાર બિલ્ડરે પ્રોજેક્ટ માટે બેન્કમાં કલેક્શન એકાઉન્ટ, સેપરેટ એકાઉન્ટ અને ટ્રાન્ઝેક્શન એકાઉન્ટ સહિત ત્રણ એકાઉન્ટ ખોલવાના રહેશે. ત્રણે એકાઉન્ટ પરસ્પર જોડાયેલા રહેશે. ગ્રાહકથી મેળવેલી રકમ બિલ્ડરે કલેક્શન એકાઉન્ટમાં જમા કરાવવી પડશે. કલેક્શન એકાઉન્ટમાં જમા થયેલી રકમમાંથી ૭૦ ટકા સેપરેટ એકાઉન્ટમાં અને ૩૦ ટકા રકમ ટ્રાન્ઝેક્શન એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવી પડશે. આ રકમ ટ્રાન્સફર કરવા બિલ્ડરે બેન્કને પત્ર આપવો પડશે.
પારદર્શિતા લાવવા બેન્ક એકાઉન્ટમાં બિલ્ડરના નામ સાથે પ્રોજેક્ટનું નામ પણ જોડવાનું રહેશે. વેચાણ કરારમાં પણ સેપરેટ એકાઉન્ટમાં જમા રકમનો ઉલ્લેખ કરવાનો રહેશે. સૌથી મહત્વનું છે કે પ્રોજેક્ટ પૂરો કરવા બિલ્ડરે નક્કી કરેલી તારીખે આ બેન્ક એકાઉન્ટ જપ્ત થઈ જશે. રેરા પાસેથી મંજૂરી મળ્યા પછી જ બિલ્ડર આ એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે.
નરેડકો અને અન્ય સંગઠનોએ રેરાના આ પ્રસ્તાવને આવકાર્યો છે. જો કે બિલ્ડર્સ એસોસિયેશનોએ આ પ્રસ્તાવ બાબતે સવાલ ઉઠાવીને સેક્ટર સાથે જોડાયેલી તમામ સંસ્થાઓની જવાબદારી નક્કી કરવાની માગ કરી છે. તેમના મતે પ્રોજેક્ટ માટે અનુમતિ મેળવવા અનેક પ્રક્રિયા કરવી પડે છે જેની અસર પ્રોજેક્ટ પર પડે છે.