બિલ્ડરના 17 વર્ષના છોકરાએ બેફામ પોર્શે ચલાવી અનેક વાહનોને ઉડાડયાં - બેનાં મોત
- પુણેમાં સંપત્તિના નશામાં ચૂર નબીરાએ બેનો ભોગ લીધો
મુંબઈ - પુણેના જાણીતા બિલ્ડર વિશાલ અગ્રવાલના સગીર પુત્રએ મધરાતે પોતાની લક્ઝરી પોર્શે કાર બેફામ હંકારી અનેક વાહનોને અડફેટે લીધાં હતાં. તેમાંથી બાઈકસવાર યુવક અને યુવતીનાં મોત નીપજ્યાં હતાં. અકસ્માત બાદ તરત જ લોકોએ કાર ડ્રાઈવર સગીરને બહાર કાઢી મારવા લીધો હતો. યરવડા પોલીસે સગીર સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મિડિયામાં ભારે વાયરલ થયો છે.
પાર્ટી મનાવીને પબમાંથી બહાર નીકળેલા સગીરને અકસ્માત બાદ લોકોએ કારમાંથી બહાર કાઢી મારવા લીધોઃ
આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર પુણેના જાણીતા બિલ્ડર વિશાલ અગ્રવાલના સગીર પુત્ર વેદાંત અગ્રવાલ શનિવારે મધરાત્રે અઢી વાગ્યે કલ્યાણી નગરના એક પબમાંથી નીકળ્યા બાદ તેની હાઇ એન્ડ પોર્શે લક્ઝરી કારમાં પૂરપાટ વેગે રવાના થયો હતો. સગીરની લક્ઝરી કારે પૂરપાટ વેગે બાઇક પર બેસી પસાર થતા અનિસ અવધિયા અને અશ્વિની કોસ્ટાની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ ઘટનામાં બન્ને યુવાનો ઉછળીને નીચે પડયા હતા અને બન્નેના ઘટના સ્થળે જ કરુણ મોત થયા હતા.
સગીરે બાઇકને ટક્કર માર્યા બાદ તેની કારે અને વાહનોને પણ અડફેટમાં લીધા અને અંતે રેલિંગ સાથે અથડાઈ ત્યાં જ ઊભી રહી ગઈ હતી. આ ઘટનાને લીધે દોડી આવેલા લોકોએ સગીરને મારવા લીધો હતો. આ સમગ્ર ઘટનાનો વિડિયો વાયરલ થયો છે, જેમાં સગીર અકસ્માતમાં નુકસાન પામેલ કારમાંથી બહાર આવવાનો પ્રયાસ કરતો નજરે પડે છે.
આ ઘટના બાદ મૃતક અનિલ અને અશ્વિનીના મિત્ર અકીબ રમઝાન મુલ્લાએ યરવડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસીની કલમ ૨૭૯, ૩૦૪એ, ૩૩૭, ૩૩૮ અને મોટર વેહિકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આ પ્રકરણે વધુ તપાસ હાથ ધરી છે.