બાંધકામ પ્રોજેક્ટ્સમાં કથિત મની લોન્ડરિંગ સંબંધે બિલ્ડર લલિત ટેકચંદાનીની ધરપકડ

Updated: Mar 20th, 2024


Google NewsGoogle News
બાંધકામ પ્રોજેક્ટ્સમાં કથિત મની લોન્ડરિંગ સંબંધે બિલ્ડર લલિત ટેકચંદાનીની ધરપકડ 1 - image


મની લોન્ડરિંગ કેસની તપાસમાં ઇડીની કાર્યવાહી

વિશેષ અદાલતે 26 માર્ચ સુધીની ઇડી કસ્ટડી ફટકારી

મુંબઇ :  નવી મુંબઇના વિવિધ પ્રોજેક્ટમાં ઘર ખરીદનાર ગ્રાહકોને ઘરનો કબજો ન આપી તેમની છેતરપિંડીના આરોપનો સામનો કરતા બિલ્ડર લલિત ટેકચંદાનીની સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી)એ ધરપકડ કરી હતી. લલિત ટેકચંદાનીએ તેમના બાંધકામ પ્રોજેક્ટ્સમાં કથિત મની લોન્ડરિંગ કર્યું હોવાના આરોપસર ઇડીએ તેમના ધરપકડની કાર્યવાહી કરી હતી. ટેકચંદાનીને વિશેષ પીએમએલએ અદાલતમાં હાજર કરવામાં આવતા તેમને ૨૬ માર્ચ સુધીની ઇડીની કસ્ટડી ફટકારવામાં આવી હતી.

ઇડીએ તેના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર કવિતા પાટીલ મારફત રજૂઆત કરી હતી કે સુપ્રીમ કન્સ્ટ્રકશન એન્ડ ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ, જેમા ટેકચંદાની ડિરેકટર હતા તેમણે ફલેટ ખરીદનારાઓ પાસેથી રૃા.૪૨૩ કરોડની રકમ વસૂલી હતી પરંતુ  ફલેટનો કબજો આપવામાં નિષ્ફળ નિવડયા હતા. ઇડીએ એવો દાવો કર્યો હતો કે ટેકચંદાનીએ ફલેટ ખરીદનારાઓને ખોટા પ્રલોભનો આપી પૈસા પડાવ્યા હતા અને આ પૈસાનું મની લોન્ડરિંગ કર્યું હતું. ટેકચંદાની એપ્રિલ ૨૦૧૬ સુધી કંપનીના ડિરેકટર હતા અને તેમનો પરિવાર કંપનીના ૧૦૦ ટકા શેર ધરાવતો હતો. ત્યાર બાદ તેમણે આ કંપનીમાંથી હિસ્સો ઘટાડવાનું શરૃ કર્યું હતું.

વર્ષ ૨૦૦૯-૨૦૧૦ દરમિયાન કંપનીએ મહારાષ્ટ્ર સરકાર પાસેથી રેન્ટલ હાઉસિંગ સ્કીમ હેઠળ નવી મુંબઇ અને તળોજામાં રેસિડેન્શિયલ ઇમારતો બનાવવા જમીન ખરીદવાના કરારો  કર્યા હતા. તેમની કંપનીએ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ બનાવવાના શરૃ કર્યા હતા અને ૧૭૦૦ થી વધુ ગ્રાહકો પાસેથી રૃા.૪૨૩ કરોડની રકમ મેળવી હતી. ગ્રાહકોને ૨૦૧૬માં ઘરનો કબજો મળવાનો હતો પણ આજદિન સુધી ઘરનો કબજો મળ્યો નથી. ટેકચંદાનીના વકીલે જણાવ્યું હતું કે તેમના દ્વારા હાથ ધરાયેલ પ્રોજેક્ટનું બાંધકામ પુરું થઇ ગયું છે. જોકે પાલિકા અને અન્ય સરકારી એજન્સીઓ સાથેની જરૃરી વૈદ્યાનિક પાલનને કારણ વિલંબ થયો છે જે મની લોન્ડરિંગ નથી.



Google NewsGoogle News