વિજ્ઞાાનમાં શીખેલો પાઠ યાદ રાખી ભાઈ બહેને કેટલાયના જીવ બચાવ્યા
પાલઘરમાં હાઇટેન્શન વાયર તૂટી પડયા બાદ નાના ભાઈ બહેનની સતકર્તા
12 વર્ષના સ્મિત અને 9 વર્ષની સંસ્કૃતિએ અનેક લોકોને જીવતા વાયરના સંપર્કમાં આવતા અટકાવ્યા - જિલ્લા તંત્ર દ્વારા સન્માન કરાયું
મુંબઇ : પાલઘરમાં ૧૨ વર્ષના ભાઇ અને ૯ વર્ષની બહેનની સમયસૂચકતા અને ઝડપી નિર્ણયશક્તિના પ્રતાપે કેટલાયના જીવ બચી ગયા હતા. વીજળીનો હાઇટેન્શન વાયર તૂટીને બાજુના મકાનમાં ગેટ ઉપર પડયો ત્યારે વિજ્ઞાાનમાં વિદ્યુતવહનના પાઠ શીખેલા ટેણિયા ભાઇ-બહેને ગેટથી દૂર રહેવાની સતત બૂમાબૂમ કરીને સાવચેત કરતા કેટલાયના જીવ બચી ગયા હતા. બાળકોની આ સમયસૂચકતાની કદરરૃપે કલેકટર તરફથી બંનેનું સન્માન કરવામાં આવ્યું હતું.
પાલઘરમાં રુષભ એપાર્ટમેન્ટમાં રહેતા સ્મિત ભંડારે (ઉ.વ.૧૨) અને નાની બહેન સંસ્કૃતિ(ઉ.વ.૯) ગઇ પચ્ચીસમી ઓગસ્ટે બપોરના સમયે ઘરમાં હોમવર્ક કરતા હતા ત્યારે જોરદાર ધડાકો થયો હતો. બંને બાળકોએ બાલકનીમાં જઇને જોયું તો વીજળીનો હાઇ-ટેન્શન વાયર તૂટીને બાજુના 'વસંત-વિહાર' બિલ્ડિંગના ગેટ પર પડયો હતો. સાયન્સના પાઠ શીખેલા સ્મિતને સમજતા વાર ન લાગી કે તૂટેલા વાયરના સંપર્કમાં આવતા લોખંડના ગેટમાંથી પણ વીજળીનો પ્રવાહ વહેવા માંડયો હશે. એટલે ગેટને કોઇ અડકશે તો જોરદાર કરન્ટ લાગશે. અધૂરામાં પૂરૃં જોરદાર વરસાદ પણ શરૃ થઇ ગયો હતો એટલે જોખમ વધી ગયું હતું.
કોઇ વીજળીના વાયરને ભૂલેચૂકેય અડકી ન જાય માટે ટેણિયા ભાઇ-બહેન બાલકનીમાંથી સતત બૂમાબૂમ કરી લોકોને ચેતવવા માંડયા હતા. એ વખતે પાડોશીનો દસ વર્ષનો દીકરો મોહમ્મદ અન્સારી ગેટ પાસે પહોંચ્યો ત્યારે તેને ગેટથી દૂર રહેવાની ચેતવણી આપી હતી. થોડી વાર પછી એક કુરિયર બોય આવ્યો ત્યારે તેને પણ ગેટથી દૂર રહેવા ચેતવ્યો હતો. બંને ભાઇ-બહેન બાલકનીમાં ઉભા રહીને સતત બૂમાબૂમ કરતા રહ્યાં હતા અને આવવા જવાવાળાને ગેટથી દૂર રહેવા બૂમો પાડીને કહેતા કહ્યા હતા.
દરમ્યાન સ્મિત અને સંસ્કૃતિના પિતાએ વીજકંપની (એમએમઇડીસીએલ)ની ઓફિસમાં કોલ કરી વાયર તૂટયાની જાણ કરી હતી. વિદ્યુત કંપનીના કર્મચારી તરત જ પહોંચી ગયા હતા અને વીજપ્રવાહ અટકાવી દીધો હતો. આમ બાળકોની સમયસૂચકતા, સમજદારી અને સતર્કતાથી કેટલાયના જીવ બચી ગયા હતા.
ગઇકાલે પાલઘરમાં યોજાયેલા કાર્યક્રમમાં સ્મિત અને સંસ્કૃતિનું કલેકટર ગોવિંદ બોડકે અને પોલીસ અધિકારીઓએ સન્માન કર્યું હતું.