ગેરકાયદેસર લાવેલી પિસ્તોલ ચેક કરવા જતાં છૂટેલી ગોળીથી ભાઈ ઘાયલ
- ગોળીબારનો અવાજ સાંભળી પડોશીઓએ પોલીસને જાણ કરીે
- મુમ્બ્રામાં ગુનાઈત ઇતિહાસ ધરાવનારા મિત્રો એકઠા થયા હતા ત્યારે ઘટના, ગોળીબાર બાદ બે સાગરિતો ફરાર
મુંબઇ : મુંબ્રાના- શિલડાયઘર વિસ્તારમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં એક વ્યક્તિ તેની ગેરકાયદે પિસ્તોલની ચકાસણી કરી રહ્યો હતોત્યારે આકસ્મિક રીતે તેમાંથી ગોળી છૂટતા તેનો નાનાભાઈ ગંભીર રીતે ઘવાયો હતો. આ ઘટના બાદ નાના ભાઈને કલવાની પાલિકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેના પર સર્જરી કરવી પડી હતી.
આ મામલે ડાયઘર પોલીસ ત્રણ જણ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી એકની ધરપકડ કરવામાં આવી હતી.
આ સંદર્ભે પોલીસના જણાવ્યાનુસાર શનિવારે- મુંબ્રા મ્હાપે રોડ પર ગુનાઈત ઈતિહાસ ધરાવતા ધરાવતા અને મોબાઈલ સ્નેચિંગમાં સંડોવાયેલા માહિમમાં રહેતા ત્રણ વ્યક્તિઓ શીળ- ડાયઘર વિસ્તારમાં આવેલા એક મિત્રના ઘરે શુક્રવારે રાત્રે જમવા આવ્યા હતા. મોડી રાત્રે જમણવાર પતાવ્યા બાદ એક વ્યક્તિએ તેના પાસેની એક ગેરકાયદે પિસ્તોલ બહાર કાઢી હતી અને આ લોકોની હાજરીમાં તે હથિયાર ચકાસી રહ્યો હતો ત્યારે અચાનક ટ્રીગર દબાઈ જતા પિસ્તોલમાંથી ગોળી છૂટી હતી. જે આ વ્યક્તિના ૧૯ વર્ષના નાનાભાઈના પેટમાં વાગી હતી. આ ઘટનાને લીધે નાનોભાઈ લોહીલુહાણ બની ગયો હતો અને જમીન પર ફસડાઈ પડયો હતો.
આ દ્રશ્ય જોઈ તેના બે મિત્રો તરત જ ત્યાંથી ભાગી છૂટયા હતા. જ્યારે ગોળીબારનો અવાજ સાંભળી પાડોશીઓ જાગી ગયા હતા અને તરત જ આ વાતની જાણ શીળ ડાયઘર પોલીસને કરતા પોલીસની એક ટીમ તરત જ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ગંભીર ઘવાયેલા યુવકને તાત્કાલિક થાણે મહાનગરપાલિકાની કલવા હોસ્પિટલમાં ખસેડયો હતો. અહીં ડોક્ટરોએ યુવકની સર્જરી કરી તેના પેટમાંથી ગોળી બહાર કાઢી હતી.
પોલીસે આ પ્રકરણે ભારતીય ન્યાય સંહિતા અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી એક વ્યક્તિની ધરપકડ કરી હતી જ્યારે ઘટનાસ્થળેથી ભાગી છૂટેલા બે જણને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.