લાડકી બેન યોજના ના પ્રારંભે જ લાંચ લેવાનું પણ શરુ : તલાટી સસ્પેન્ડ
વરખડમાં ફોર્મ ભરતી મહિલાઓ પાસે પૈસા લેવાયા
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં સીએમઓ હરકતમાં : કલેક્ટર દ્વારા સસ્પેન્ડ
મુંબઇ : અમરાવતીમાં વરખડ ખાતે લાડકી બહેન યોજના હેઠળ તલાટીએ અરજદાર મહિલાઓ પાસેથી પૈસા લેતા હોવાનો સોશિયલ મિડીયા વિડીયો વાયરલ થતાં હવે આ મામલે તલાટીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
આ મામલામાં તલાટી તુલશીરામ કથાલેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર કટિયારે મંગળવારે આ અંગે માહિતી આપી હતી.
રાજ્ય સરકારે મધ્યપ્રદેશની તર્જ પર મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી લાડકી બહેન યોજના શરુ કરી છે. મહારાષ્ટ્ર સરકારે ૧લી જુલાઈથી મુખ્યમંત્રી લાડકી બહેન યોજના શરુ કર ીહતી.જેમાં ૨૧ થી ૬૦ વર્ષની વયની મહિલાઓ આ યોજના માટે પાત્ર છે અને ૧ જુલાઈથી તલાટી કચેરી ખાતે અને શહેરી વિસ્તારોમાં તલાટી કચેરી અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી ખાતે અરજીઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.
અમરાવતી સહિત સમ્રગ જિલ્લામાંથી મહિલાઓ આ યોજનાનો લાભ મેળવવા માટે હાલ ઉમટી પડી હતી. તો વરખડમાં આ યોજનાનો લાભ મેળવવા માટે તલાટી તુલશીરામે મહિલાઓ પાસેથી પૈસા પડાવતો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. તલાટી તુલશીરામનો મહિલાઓ પાસેથી પૈસા પડાવતો હોવાનો વીડીયો અને ફોટા પણ સોશિયલ મિડીયા પર વાયરલ થયા હતા.
મહિલાઓ પાસેથી લાંચ લેવાના તલાટીના આ કૃત્યની પોતે મુખ્યમંત્રીએ નોંધ લીધી હતી. જેના કારણે તલાટીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તેમજ કલેક્ટર સૌરભ કટિયારે આ અંગે કહ્યું હતું કે, તલાટી સામે કેસ પણ દાખલ કરવામાં આવશે. તેમજ આ અંગે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી હતી.