પાકિસ્તાન માટે જાસૂસીના કેસમાં બ્રહ્મોસ એરોસ્પેસના એન્જિનીયરને જન્મટીપ
ફેસબુક પર હની ટ્રેપમાં ફસાઈને સંવેદનશીલ માહિતી આપ્યાનો આરોપ
પ્રતિભાશાળી નિશાંત અગ્રવાલને યંગ સાયન્ટીસ્ટ એવોર્ડ મળ્યો હતો, ચાર વર્ષ બ્રહ્મોસ કંપનીમં કામ કર્યું હતું
મુંબઈ : પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ માટે જાસૂસી કરવા બદલ ઓફિશ્યલ સિક્રેટ એક્ટ હેઠળ બ્રહ્મોસ એરોસ્પેસ પ્રા. લિ.ના ભૂતપૂર્વ એન્જિનીયર નિશાંત અગ્રવાલને નાગપુર ડિસ્ટ્રીક્ટ કોર્ટે આજીવન કારાવાસની સજા સંભળાવી છે. અગ્રવાલે ૧૪ વર્ષની સખત જેલ ભોગવવાની રહેશે અને રૃ.ત્રણ હજારના દંડ ભરવાનો રહેશે.
એડિશનલ સેશન્સ કોર્ટ જજ એમ.વી. દેશપાંડેએ આદેશમાં જણાવ્યું હતું કે અગ્રવાલને આઈટી કાયદાની કલમ હેઠળ ફોજદારી દંડ સંહિતા તેમ જ ઓફિશ્યલ સિક્રેટ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ કસૂરવાર ઠેરવાયો છે.
નાગપુરમાં કંપનીના મિસાઈલ સેન્ટરના ટેક્નિકલ રિસર્ચ સેક્શનમાં કામ કરતા અગ્રવાલની ધરપકડ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની એન્ટિટેરરિઝમ સ્કવોડ (એટીએસ) અને મિલિટરી ગપ્તચર યંત્રણાના સંયુક્ત ઓપરેશનમાં ૨૦૧૮માં થઈ હતી.
આરોપીએ બ્રહ્મોસ કંપનીમાં ચાર વર્ષ કામ કર્યું હતું અને પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ઈન્ટર સર્વિસીસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ)ને સંવેદનશીલ માહિતી આપવાનો આરોપ છે.
બ્રહ્મોસ એરોસ્પેસ ડિફેન્સ રિસચર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન(ડીઆરડીઓ) અને રશિયાના મિલિટરી ઈન્ડસ્ટ્રીયલ કોન્સોેર્શિયમ (એનપીઓ મશીનોસ્ત્રોયેનિયા) વચ્ચે સંયુક્ત સાહસ છે. અગ્રવાલને ગત એપ્રિલમાં બોમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચે જામીન આપ્યા હતા.
અગ્રવાલે પાકિસ્તાનની ઈન્ટેલિજન્સ એજન્સી દ્વારા ઈસ્લામાબાદથી ઓપરેટ થતા હોવાનું મનાતા બે ફેસબુક પ્રોફાઈલ- નેહા શર્મા અને પૂજા રાંજણ મારફત શંકાસ્પદ પાકિસ્તાની ગુપ્તચારો સાથે સંપર્ક કર્યો હતો.
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા અગ્રવાલને યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ અપાયો હતો. આવી પ્રવૃત્તિમાં સંડોવણી બહાર આવતાં સહકર્મીઓને ભારે આઘાત લાગ્યો હતો. કુરુક્ષેત્રની નેશનલ ઈન્સિટયૂટ ઓફ ટેક્નોલોજી ખાતે અભ્યાસ કર્યો હતો. તપાસ અધિકારીઓએ નોંધ કરી હતી કે અતિ સંવેદનશીલ કાર્યમાં સંકળાયેલો હોવા છતાં ઈન્ટરનેટ પર નિશાંતનો અનૌપચારિક અભિગમ તેને સરળ લક્ષ્ય બનવી ગયો હતો.