બોરીવલી જીઆરપીએ બે મહિનાના બાળકના અપહરણનો કેસ ઉકેલ્યો
- નામકરણના દિવસે ઘરમાં પોલીસનું આગમન
- મિત્રના ઘરે પારણું બંધાતું ન હોવાથી આરોપીએ ફુટપાથ પર રહેતા બાળકને કિડનેમ કરી રૂા. ૧.૫ લાખમાં વેચી દીધું
મુંબઇ : અઠવાડિયા પહેલાં બોરવલી સ્ટેશન પહારના ફુટપાથ પરથી બે મહિનાના બાળકનું અપહરણ થયું હતું. એક દંપત્તીએ ખરીદેલા આ બાળકના નામ કરણની વિધિ ચાલતી હતી ત્યાં પહોંચીને જીઆરપીએ બાળકને તાબામાં લીધું હતું. આ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ થઇ છે.
બોરીવલી ઇસ્ટ રેલવે સ્ટેશન બહાર ફૂટપાથ પર એક દંપત્તીનું બે મહિનાના બાળક સાથે રહે છે. શનિવારે, ૧૭મી ડિસેમ્બરના રોજ મધરાતે બાળકના માતા- પિતા સૂતા હતા ત્યારે બાળકનું અપહરણ થયું હતું. બાદમાં બાળકની ૧૮ વર્ષની માતાને ખબર પડતાં તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તત્કાળ બાળકની શોધ શરૂ કરી હતી. પોલીસને જે જાણકારી મળી તે મુજબ આરોપી બાળકને પ્રથમ જોગેશ્વરી બાદમાં ગોવંડી સ્ટેશને લઇ ગયો હતો. પીછો કરનારી પોલીસ આરોપી સુધી પહોંચી ન શકી. સઘન તપાસ બાદ જાણવા મળ્યું હતું કે આરોપી પુણે સ્ટેશને હતો ત્યાં પહોંચીને આલમ અબ્બાસ શેખ ઉર્ફે રાજાની ધરપકડ કર્યા બાદ આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે જણની ભાળ પણ પોલીસને મળી હતી.
ત્યાર પછી અપહરણનું રહસ્ય ઉકેલાયું હતું. બદલાપૂરમાં રહેતા આભારામ આઝગાંવકર નામના શખસને ઘરે ૧૧ વર્ષથી પારણું બંધાયું ન હતું. તેથી તેના મિત્રો આરોપી રાજા અને સય્યદે આત્મારમને દોઢ લાખ રૂપિયામાં બદલામાં બાળક લાવી આપવાનું આશ્વાસન આપ્યું હતું. આત્મારામ અને તેની પત્ની આ વાત માટે તૈયાર થતા જ આરોપી રાજાએ બાળકના અપહરણનું પ્લાનિંગ કર્યું હતું. બોરીવલી રેલવે સ્ટેશન બહાર ફુટપાથ પર તેણે બે મહિનાના બાળકને જોયો. પોલીસે જણાવ્યા મુજબ સીસીટીવી ફુટેજમાં દેખાયું હતું કે અપહરણ પૂર્વે ત્રણ દિવસથી રાજા બાળક માટે દૂધ લાવતો હતો અને તેના માતા-પિતાને બાળકની તબિયત વિશે પૂછતો હતો. ડીસીપી સંદીપ ભાજીભાકરેની ટીમે વ્યક્તિને ટ્રાફિક સીસીટીવી કેમેરાની મદદથી શોધ્યો હતો. એક ફુટેજમાં રાજા બાળકને સય્યદના હાથમાં સોપી રહ્યો હોવાનું દેખાયું હતું.
દોઢ લાખ રૂપિયામાં આ બાળક આઝગાવકર દંપત્તિને આપ્યું હતું. આભારામના ઘરે બાળકના નામકરણની વિધિ ચાલી રહી હતી ત્યારે જીઆરપી ત્યાં પહોંચી હતી અને બાળકને પોતાની કસ્ટડીમાં લીધું હતું.