બોરીવલીના એસ્ટેટ એજન્ટને નકલી પોલીસે 10 લાખમાં ખંખેર્યા

Updated: Aug 26th, 2024


Google NewsGoogle News
બોરીવલીના એસ્ટેટ એજન્ટને નકલી પોલીસે 10 લાખમાં ખંખેર્યા 1 - image


- લગ્નેતર સંબંધની પત્નીને જાણ કરી દેવાની ચિમકી

- જાહેર માર્ગ પરથી પોતાની સાથે ખેંચી જઈ જીપમાં બેસાડવાનું નાટક કરતાં એજન્ટ વધારે ગભરાયા

મુંબઇ : બોરીવલીમાં એક એસ્ટેટ એજન્ટ સાથે બનેલી છેતરપિંડીની અનોખી ઘટનામાં બે નકલી પોલીસે આ વ્યક્તિના લગ્નેતર સંબંધોની જાણ તેની પત્નીને કરી દેવાની ધમકી આપી ૧૦ લાખ રૃપિયા પડાવ્યા હતા. નકલી પોલીસોએ આ વ્યક્તિ પર રોફ જમાવી કડક ભાષામાં તેને ધમકાવી બહાર પાર્ક કરેલ પોલીસ જીપમાં બેસવાનું દબાણ કર્યું હતું અને જો પોલીસની કાર્યવાહીથી બચવું હોય તો ઉક્ત રકમ આપવા જણાવ્યું હતું.

આ સંદર્ભે પોલીસે આપેલી માહિતી મુજબ ૪૨ વર્ષનો ફરિયાદી એસ્ટેટ એજન્ટ બોરીવલી અને બાંદ્રામાં પ્રોપર્ટીઓના સોદા કરે છે. તે બોરીવલીમાં માતા- પિતા, પત્ની અને બાળકો સાથે રહે છે. ફરિયાદી લગભગ બે વર્ષથી એક મહિલા મિત્રના સંપર્કમાં હતો અને બન્ને અવારનવાર એકબીજાને મળતા હતા. થોડા દિવસ પહેલાં ફરિયાદી એલઆઈસી કોલોનીમાં રહેતી મહિલા મિત્રને મળવા ગયો હતો.

મહિલા મિત્રને મળ્યા બાદ તે જ્યારે ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે પોલીસ બનીને આવેલા બન્ને ગઠીયાઓએ તેને રોક્યો હતો તેની સામે ગુનો નોંધવાની ધમકી આપી તેના લગ્નેતર સંબંધની જાણ તેની પત્નીને કરી દેવાની ધમકી આપી હતી.

આ બન્ને નકલી પોલીસ આક્રમક બન્યા હતા અને ફરિયાદીને તેમની સાથે ખેંચી લઈ જીપમાં બેસી પોલીસ સ્ટેશનમાં લઈ જવાનું નાટક કર્યું હતું. આ બનાવથી ડરી ગયેલા ફરિયાદીને તેમણે પોલીસ સ્ટેશન બહાર મામલો પટાવવા ૧૫ લાખની માગણી કરી હતી. આ સમસ્યાથી બચવા ફરિયાદીએ મિત્ર પાસેથી ૧૦ લાખ રૃપિયા લઈ આ બન્નેને ચૂકવ્યા હતા અને પીછો છોડાવ્યો હતો.

આ ઘટના બાદ ફરિયાદીએ ઘરે પહોંચ્યા બાદ આ વાતની જાણ અમુક મિત્રોને કરતા તેમણે ફ્રોડસ્ટરો દ્વારા છેતરપિંડીની આ નવી તરકીબ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ છેતરપિંડીનો ભોગ બનેલા એસ્ટેટ એજન્ટે બોરીવલી- એમએચબી પોલીસનો સંપર્ક કરી આ ઘટનાની જાણ કરતા પોલીસે તેની ફરિયાદના આધારે કલમ ૨૦૪, ૩૦૮, ૩૫૧ અને ૩૫૨ હેઠળ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આદારે બન્ને આરોપીઓની ધરપકડ કરી હતી. આ બન્ને આરોપી રીઢા ગુનેગાર હોઈ આ પહેલાં પણ આવી છેતરપિંડી કરી ચૂક્યા હોવાનું બહાર આવ્યું હતું.


Google NewsGoogle News