બોમ્બ ધડાકાના દોષીતને જેલમાંથી લોની પરીક્ષા આપવાની પરવાનગી
7/11 બોમ્બ ધડાકાના કેસમાં જન્મટીપ પામેલા આરોપીની અરજી
સમયસર હાજર નહીં કરી શકાતા અમુક પેપર ચૂકી ગયેલોઃ કોર્ટના કહેવાથી યુનિવર્સિટીએ વ્યવસ્થા કરી આપી
મુંબઈ : બોમ્બે હાઈ કોર્ટે ૧૧ જુલાઈના બોમ્બધડાકા કેસના કસૂરવારને સેકન્ડ સેમિસ્ટર લોની એક પરીક્ષા નાશિક સેન્ટ્રલ જેલમાંથી આપવાની પરવાનગી આપી છે.
સિદ્ધાર્થ લો કોલેજ દ્વારા હાથ ત્રીજી મેથી ૧૫ મે સુધી હાથ ધરાનારી બીજા સેમિસ્ટરની લોની પરીક્ષામાં બેસવા મોહમ્મદ સાજીદ મરઘુબ અન્સારીએ કરેલી અરજીની કોર્ટે સુનાવણી કરી હતી.મેમાં કોર્ટે તેને પરીક્ષા આપવા જવાની પરવાનગી આપી હતી અને નાશિક જેલ ઓથોરિટીને તેને પરીક્ષાની તારીખે કોલેજમાં હાજર કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેણે ૧૦ મેના રોજ હાઈ કોર્ટમાં અરજી કરી હતી કે તે કેટલાંક પેપર આપી શક્યો નથી કેમ કે તેને સમયસર કોલેજ હાજર કરવામાં આવી શક્યો નહોતો.
જેલ ઓથોરિટીએ દલીલ કરી હતી કે તેમના પ્રયાસો છતાં તેને સમયસર પહોંચાડી શક્યા નહોતા. કોર્ટે યુનિવર્સિટીને એક પરીક્ષા ઓનલાઈન આપવાની અન્સારીને પરવનાગી વિશે વિચારવા જણાવ્યું હતું.
સોમવારે યુનિવર્સિટીના વકિલ રોડ્રીગ્સે કોર્ટને જણાવ્યું હતું કે ૧૨ જૂને એક પરીક્ષા જેલમાંથી જ આપવાની પરવાનગી આપી શકે છે. એમ યુનિવર્સિટી, જેલ ઓથોરિટી અને રાજ્યના અધિકારી સાથે ચર્ચા કર્યા બાદ જણાવ્યું હતું.
જેલના કોમન તેમ જ જેલ સુપરિન્ટેન્ડન્ટના મેઈલ એડ્રેસ પર પ્રશ્ન પત્રિકા અપાશે. સવારે ૧૦.૩૦ વાગ્યાથી ૧૨ વાગ્યા સુધી જેલમાં રહીને તે પેપર આપી શકશે. તેની ઉત્તર પત્રિકા સીલ કરીને સિદ્ધાર્થ કોલેજના પ્રિન્સિપાલને અપાવાની રહેશે.
કોર્ટે વ્યવસ્થા સ્વીકારી હતી. જેલના ડીઆઈજીએ સોગંદનામું દાખલ કરીને જણાવ્યું હતું કે અ રીતની વ્યવસ્થા જેલના કેદીઓ માટે કરી શકાય છે જેથી કરીને ભવિષ્યમાં આવી અરજીઓ થાય નહીં. કોર્ટે આગામી સુનાવણી પહેલી જુલાઈ પર રાખી છે. યુનિવર્સિટીએ જોકે જણાવ્યું હતું કે આનો દાખલો બેસવો જોઈએ નહીં. આની સામે કોર્ટે સવાલ કર્યો હતો કે કેમ નહીં અમારે વધુ વકિલોની જરૃર છે.
૧૧ જુલાઈ ૨૦૦૬ના બોમ્હ ધડાકામાં ૧૮૯ વપ્રવાસીના મોત થયા હતા અને ૮૨૪ ઘવાયા હતા. સપ્ટેમ્બર ૨૦૧૫માં વિશેષ કોર્ટે અન્સારી અને અન્યોને કસૂરવાર ઠેરવીને જન્મટીપની સજા સંભળાવી હતી.