25 લાખ રૂપિયા હંગામી ધોરણે ચૂકવવાનો બોમ્બે હાઇકોર્ટનો મ્હાડાને આદેશ
જમીન સંપાદનના ૩૬ વર્ષ પછી જમીન માલિકને વળતર નહીં મળવાનો કેસ
અરજદારના બંધારણીય અને માનવ અધિકારોનો ભંગ કરવા બદલ રૂ. પાંચ લાખ વધારાના ચૂકવવા પડશે
મુંબઇ: ૩૬ વર્ષ સુધી એક જમીનમાલિકને વળતર નહીં આપવા બદલ બોમ્બે હાઇકોર્ટે મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવેલોપમેન્ટ ઓથોરિટી (મ્હાડા)ની ઝાટકણી કાઢી હતી. મ્હાડાએ ૧૯૮૮માં અરજદારની જમીન સંપાદન કરી હતી મ્હાડાનું કૃત્ય વ્યક્તિના બંધારણીય અને માનવ અધિકારોનું ઉલ્લંધન સમાન છે તેવું બોમ્બે હાઇકોર્ટે કહ્યું હતું.
વર્ષ ૨૦૨૩માં હાઇકોર્ટની ડિવિઝન બેન્ચમાં આ મામલા પર પહેલા સુનાવણી થઈ હતી. જમીન સંપાદનના મૂળ રેકોર્ડ્સ મળતા નથી તેવો જવાબ મ્હાડાના અધિકારીએ આપ્યો હતો. પાંચમી ઓગસ્ટ ૨૦૦૩ તારીખે બોમ્બે હાઇકોર્ટને મૂળ રેકોર્ડ્સ શોધવા તમામ પ્રયત્નો કરવા નિર્દેશ આપ્યા હતા. જોકે પ્રતિવાદી સત્તાધીશોએ રેકોર્ડ્સ રજૂ કર્યા નહોતા કે અરજદારને વળતર પણ ચૂકવ્યું નહોતું. કેસનો અંતિમ નિકાલ કરવા હાઇકોર્ટે કેસ હાથ ધર્યો હતો.
જસ્ટિસ એમ.એસ. સોનક અન ેજસ્ટિસ કમલ ખારાની ડિવિઝન બેન્ચે હતાશા દર્શાવી હતી કે ૩૬ વર્ષ પછી પણ પ્રતિવાદી સત્તાવાળાઓએ જમીન સંપાદનના રેકોર્ડ્સ શોધ્યા નથી અને વળતરની રકમ નક્કી કરવા કોઈ પ્રયત્ન પણ કર્યા નથી. અરજદારને વળતર આપવામાં થયેલા અસાધરણ વિલંબ માટે પ્રતિવાદી સત્તાધીશોએ કોઈ કારણ રજૂ કર્યું નથી.
કોર્ટે કહ્યું હતું કે 'કોઈ વળતર આપ્યા વિના અને કાયદાની ઓથોરિટી વગર નાગરિકની પ્રોપર્ટી લઈ લીધી હોય તેવું પ્રતિવાદીની વર્તણૂંક દર્શાવે છે.'
કોર્ટે કહ્યું કે 'અરજદારની મિલકત ફરજિયાત સંપાદન કરવાનું બદલ વળતર મેળવવાનો અરજદારનો અધિકાર મૂળ કાગળો મળતા નથી તેવું બિનસંવેદનશીલ બહાનું બતાવી અવગણના કરી શકાય નહીં.'
'આ પગલાથી અથવા પ્રતિવાદીના પગલા નહીં ભરવાથી અરજદારના બંધારણીય અને માનવ અધિકારોનું ઉલ્લંધન થઈ રહ્યું છે. અરજદારના બંધારણીય અને માનવ અધિકારોનું ઉલ્લંધન કરવા બદલ વળતર આપવા મ્હાડાને ફરજ પાડવી જોઈએ.'
તપાસ કરવા અને વળતરની રકમ નક્કી કરવા કોર્ટે સ્પેશિયલ લેન્ડ એકવિઝિશન અધિકારીને આદેશ કર્યો હતો. કેસના સંજોગો જોતા કોર્ટે વચગાળાના વળતરનો આદેશ આપ્યો હતો.
મ્હાડા એક્ટમાં જણાવેલા સિદ્ધાંતોના આધારે અને વળતર નક્કી કરવાના નિયમોના આધારે કોર્ટે રૂ. ૨૫ લાખનું વળતર હંગામી ધોરણે ચૂકવવાનો પ્રતિવાદી સત્તાવાળાઓને આદેશ કર્યો હતો.
તેના બંધારણીય અને માનવ અધિકારોનો ભંગ કરવા બદલ અરજદારને રૂ. પાંચ લાખ ચૂકવવાનો કોર્ટે આદેશ કર્યો હતો.