બોમ્બે હાઈકોર્ટે આઈટી એક્ટમાં સુધારા ગેરબંધારણીય જણાવી રદ કરતાં કેન્દ્રને ફટકો

Updated: Sep 21st, 2024


Google NewsGoogle News
બોમ્બે હાઈકોર્ટે આઈટી એક્ટમાં સુધારા ગેરબંધારણીય જણાવી રદ કરતાં કેન્દ્રને ફટકો 1 - image


- ડિવિઝન બેન્ચના વિરોધાભાસી ચુકાદા બાદ ટાઈબ્રેકર જજનો નિર્ણય

- બનાવટી, ખોટા અને ગેરમાર્ગે દોરતા હોવાના શબ્દો અસ્પષ્ટ અને ખોટા છે કેમ કે તેની કોઈ વ્યાખ્યા અપાઈ નથી 

- બંધારણ હેઠળ અપાયેલા  સમાનતા , વાણી અભિવ્યક્તિ, વ્યવસાયના અધિકારનો ભંગ થતો હોવાની નોંધ 

મુંબઈ : સરકાર સામે સોશ્યલ મીડિયા પર ખોટી માહિતી શોધવાના ઈરાદે માહિતી તંત્રજ્ઞાાન (ઈન્ફોર્મેશન ટેક્નોલોજી) કાયદામાં કરાયેલા સુધારાને ગેરબંધારણીય ગણાવીને બોમ્બે હાઈ કોર્ટે રદબાતલ કર્યો છે. આ કેસ ન્યા. ચાંદુરકરને ટાઈ બ્રેકર જજ તરીકે સોંપવામાં આવ્યો હતો. અગાઉ જાન્યુઆરીમાં આઈટી કાયદાને સુધારાને પડકારતી અરજી પર ડિવિઝન બેન્ચે વિરોધાભાસી ચુકાદો આપ્યો હતો.આ કેસને વિસ્તારથી સાંભળ્યો છે. બંધારણ હેઠળ અપાયેલા સમાનતાના અધિકાર, વાણી અભિવ્યક્તિના અધિકાર, વ્યવસાયના અધિકારનો ભંગ થતો હોવાનું જજે નોંધ્યું હતું.

બનાવટી, ખોટા અને ગેરમાર્ગે દોરતા હોવાના શબ્દો અસ્પષ્ટ અને ખોટા છે કેમ કે તેની કોઈ વ્યાખ્યા અપાઈ નથી એમ કોર્ટે જણાવ્યું હતું.

સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરા , એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા, ન્યુઝ બ્રોડકાસ્ટ એન્ડ ડિજિટલ એસોસિયેશન અને એસોસિયેશન અઓફ ઈન્ડિયન મેગેઝિન દ્વારા નવા કાયદાને પડકારતી અરજી માન્ય કરાઈ હતી. સરકાર વિશે ખોટા સાહિત્યને શોધવા ફેક્ટ ચેકિંગ યુનિટ (એફસીયુ)ને સ્થાપવાની જોગવાઈનો  વિરોધ કરાયો હતો. નવો કાયદો ગેરબંધારણીય અને લોકોની અભિવ્યક્તિ સ્વતંત્રતા પર તરાપ હોવાનો દાવો કરાયો હતો. 

કોર્ટે નોંધ કરી હતી કે સુધારિત કાયદો અસ્ષ્ટ અને કોઈ માર્ગદર્શક સિદ્ધાંત વિનાનો છે. બંધારણ હેઠળની વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્રતા હેઠળ સત્યનો અધિકાર જણાવાયો નથી કે તેમાં રાજ્ય સરકાર પર એફસીયુ દ્વારા શોધેલી ખોટી કે ગેરમાર્ગે દોરતી નહોય તેવી જ માહિતી નાગિરકોને પહોંચાડવાની જવાબદારી નથી. કાયદાના માધ્યમથી પણ આ બાબત પરવાનગીપાત્ર નથી, એમ ન્યા. ચાંદુરકરે નોંધ્યું હતું.

માત્ર ડિજિટલ સ્વરૂપમાં માહિતી ખોટી કે ગેરમાર્ગે દરોતી હોવાનું ચકાસવાની અને પ્રિન્ટ સ્વરૂપની માહિતી નહીં ચકાસવાની વાતમાં કોઈ શાણપણ નથી જણાતું, એમ પણ કોર્ટે નોંધ કરી હતી.

એફસીયુ પર કોર્ટે જણાવ્યું હતું કે જ્યારે કેન્દ્ર સરકાર પોતે જ ખોટી માહિતી કે સમાચારથી અસરગ્રસ્ત છે ત્યારે એફસીયુ દ્વારા હકીકતની ચકાસણી કરવી એ સરકાર  દ્વારા જ એકતરફી નિર્ધારમાં પરિણમશે, એમ કોર્ટે નિરીક્ષણ કર્યું હતું.

  ડિવિઝન બેન્ચે આપેલા વિરોધાભાસી ચુકાદામાં ના ન્યા. ગૌતમ પટેલે નવા કાયદાને સેન્સરશિપ ગણાવી હતી. જ્યારે ન્યા. ગોખલેએ આમાં કોઈ વાંધો નહોવાનું જણાવ્યું હતું. આથી આ મામલો ટાઈ બ્રેકર જજ ચાંદુરકરને સોંપાયો હતો. ન્યા. ચાંદુરકરે હાલ નિવૃત્ત ન્યા. પટેલના નિરીક્ષણ સાથે સંમતિ દર્શાવી હતી. ન્યા. ચાંદુરકરે જોકે એફસીયુ રચવા સામે વચગાળાનો સ્ટે નકાર્યો હતો બાદમાં કેન્દ્ર સરકારે  ફેક્ટ ચેકિંગ યુનિટ નોટિફાય કર્યું હતું. જોકે સુપ્રીમે હાઈકોર્ટમાં અરજીઓનો નિકાલ આવે નહીં ત્યાં સુધી નોટિફિકેશન પર સ્થગિતી આપી હતી અને અરજીમાં બંધારણના ગંભીર પ્રશ્ન ઉપસ્થિત થયાનું નોંધ્યું હતું.


Google NewsGoogle News