મુંબઇમાં 2 દિવસમાં વધુ 13 ફલાઈટમાં બોમ્બની ધમકી મળી
સીઆઈએસએફને ઈમેલ તથા એક્સ પર ધમકી
તમામ વિમાનોને આઈસોલેટ કરી તપાસ, પ્રવાસીઓ તથા ક્રૂ મેમ્બર્સને પારાવાર હેરાનગતિ
મુંબઇ : મુંબઇમાં બે દિવસમાં ૧૩ વિમાનમાં બોમ્બની ધમકીઓ મળી છે. એમાં પાંચ આંતરરાષ્ટ્રીય અને આઠ ડોમેસ્ટિક ફલાઇટનો સમાવેશ છે. મુંબઇ એરપોર્ટ પર સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઇએસએફ)ને અજાણી વ્યક્તિએ ઇમેલ અને એક્સ (ટ્વિટર) પોસ્ટ દ્વારા આ ધમકીઓ આપવામાં આવી છે.
અધિકારીએ જણાવ્યું છે કે સહાર પોલીસે અજાણ્યા આરોપી વિરૃદ્ધ કેસ નોંધ્યો છે. છત્રપતી શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સીઆઇએસએફને છ વિમાનોમાં બોમ્બ મૂકવામાં આવ્યા હોવાની ધમકી મળી હતી.
આ માહિતી મળ્યા બાદ ઇન્ડિગો એરલાઇન્સની જેદ્દાહથી મુંબઇ અને વિસ્તારા એરલાઇન્સની સિંગાપોરથી મુંબઇની ફલાઇટને ટર્મિનલ-૨ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. ઉદયપુરથી મુંબઇ આવતી વિસ્તારા એરલાઇન્સની ફલાઇટ અને જેદ્દાહથી મુંબઇ આવતા ઇન્ડિગો એરલાઇન્સના વિમાનમાં સહાર એરપોર્ટ પર તપાસ કરાઇ હતી.તેમજ સ્પાઇસજેટ એરલાઇન્સના દરભંગાથી મુંબઇ આવતા વિમાનને ઉતરાણ બાદ નિર્જન સ્થળે ખસેડવામાં આવ્યું હતું. તેમજ સિધુંદુર્ગથી મુંબના વિમાનો ટર્મિનલ-૧ પર લઇ જવામાં આવ્યું હતું.
આ તમામ વિમાન અને પ્રવાસીઓની ઝીણવટભરી તપાસ કરાઇ હતી. પરંતુ કંઇપણ શંકાસ્પદ મળ્યું નહોતું. આથી બોમ્બની ધમકીઓ અફવા પુરવાર થઇ હતી.
બીજી તરફ રવિવારે વિવિધ એરલાઇન્સમાં બોમ્બની માહિતી મળી હતી. એમા વિસ્તારા એરલાઇન્સના વિમાન યુકે ૧૦૬ (સિંગાપુરથી મુંબઇ), યુકે ૧૦૭ (મુંબઇથી સિંગાપુર), તેમજ અકાસા એરના ક્યુપી ૧૦૨ (અમદાવાદથી મુંબઇ), ક્યુપી ૧૩૮૫ (મુંબઇથી બાગડોંગરા), ક્યુપી ૧૫૧૯ (કોચીથી મુંબઇ), ક્યુપી ૧૫૨૬ (લખનઉથી મુંબઇ) અને અન્ય વિમાનમાં ધમકી બાદ સતર્ક રહેવાનો આદેશ અપાયો હતો.
પ્રત્યેક વિમાન અને પ્રવિસીઓની સુરક્ષા માટે તપાસ કરવામાં આવી હતી. બાદમાં બૉમ્બ કે અન્ય કોઇપણ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી.
સહાર પોલીસે ગત અઠવાડિયે ૧૭ વર્ષીય વિદ્યાર્થીને પકડયો હતો તેણે સોસિયલ મીડિયામાં એક વ્યક્તિના નામથી એકાઉન્ટ બનાવીને ધમકીભર્યો મેસેજ પોસ્ટ કર્યોહતો આ વ્યક્તિ સાથેના પૂર્વ વૈમન્સયને લીધે તેને ખોટા ગુનામાં ફસાવવા વિદ્યાર્થીએ કાવતરું ઘડયું હતું.
ઉદયપુર-મુંબઇ વિમાનમાં ટિશ્યુપેપર પર બોમ્બની ધમકી
ટિશ્યુપેપર પર બોમ્બની ધમકી આપવાના મામલામાં વિસ્તારા એરલાઇન્સના પ્રતિનિધિ સ્વાતી માકણની ફરિયાદના આધારે સહાર પોલીસે અજાણ્યા આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૨૫, ૩૫૧(૪), ૩૫૩(૧)(બ) અને વિમાન કાયદા કલમ ૨૯ હેઠળ ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે એક વ્યક્તિએ ઉદયપુર મુંબઇ વિમાનમાં બોમ્બ છે, એમા ૧-૪૮ વાગ્યે વિસ્ફોટ થશે એમ ટિશ્યુપેપર પર લખ્યું હતું. તે વિમાન મહારાણા પ્રતાપ એરપોર્ટ ઉદયપુરથી રવિવારે બપોરે ૧૨ વાગ્યે ઉપડયું હતું. ધમકીની માહિતી મળ્યા બાદ સહાર એરપોર્ટ પર વિમાનની પૂર્ણ તપાસણી કરાઇ હતી. પરંતુ બૉમ્બ મળ્યો નહોતો. પોલીસે ટિશ્યુપેપર રાખનારની તપાસ આદરી છે.