મુંબઈ એરપોર્ટ પર બેગમાં બોમ્બની પોકળ ધમકી

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
મુંબઈ એરપોર્ટ પર બેગમાં બોમ્બની પોકળ ધમકી 1 - image


- બોમ્બની ખોટી ધમકીનો વધુ એક મેસેજ

- સિક્યુરિટી એજન્સીને તપાસમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ ન મળી

મુંબઇ : છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક બેગમાં બોમ્બ રાખવામાં આવ્યો હોવાના નનામા ફોનથી ચકચાર જાગી હતી. પોલીસ અને અન્ય સુરક્ષા કર્મચારીઓને એરપોર્ટ પર તપાસ કરતા બોમ્બ કે અન્ય શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. પોલીસે ધમકીભર્યો ફોન કરનારી વ્યક્તિને પકડવા વધુ તપાસ આદરી છે. 

ગઈ કાલે સાંજે એક વ્યક્તિએ ટર્મિનલ-૨ પર ફોન કરીને કહ્યું કે 'એરપોર્ટ પર બ્લુ બેગમાં બોમ્બ રાખવામાં આવ્યો છે. આથી એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

એરપોર્ટ સ્ટાફે મુંબઈ પોલીસ અને એરપોર્ટના સિક્યુરિટી મેનેજરને ધમકીભર્યા ફોનની જાણ કરી હતી. પછી અન્ય એજન્સીઓને આની માહિતી આપવામાં આવી હતી.

એરપોર્ટ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું, પરંતુ બોમ્બ કે અન્ય વિસ્ફોટક મળ્યા નહોતા. 

સહાર પોલીસ, એન્ટિ ટેરરિઝમ સ્ક્વોડના અધિકારીઓએ પણ એરપોર્ટની મુલાકાત લીધી હતી. પોલીસ ફોન કરનારની શોધખોળ કરી રહી છે.

અગાઉ પણ મુંબઈ પોલીસ કન્ટ્રોલ રૂમ અને એરપોર્ટ પર બોમ્બની ધમકીના ફોન અને ઇ-મેલ આવ્યા હતા.

મોટાભાગના કેસમાં ફોન પર મળેલી ધમકી અફવા પુરવાર થતી હોય છે. અગાઉ એક મહિલા પ્રવાસીએ તેની પાસે બોમ્બ હોવાની ખોટી માહિતી આપી હતી. જેના લીધે ફ્લાઇટ મોડી પડી હતી. એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થાની તપાસ વખતે ચેકઇનમાં વિલંબ થવાને કારણે તે ગુસ્સામાં હતી. જેને લીધે તેણે અફવા ફેલાવી હતી.


Google NewsGoogle News